પાનખર

થોડાક ફેરફારો સાથે ફરીથી પ્રકાશિત..

અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.

જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.

પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?

શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી  જિંદગી ઉગશે.

- સુરેશ જાની

30 – ઓક્ટોબર – 2006

પીળું – સુરેશ જાની

પીળું છે જે પીળું રહેતું, લીલું છે તે પીળું બનતું,
પીળાં ચશમાં પહેરો તો, બધું ધોળું પીળું બનતું.

પીળાને સાથ આપીને, બને પાગલ પીળા લોકો
નીહાળી એ તમાશો, શોકમાં ભરપુર મન બનતું.

પીવાડે ઝેર જો કોઈ, સુનહરા પાત્રમાં રેડી
અરે! પાગલ સમજ; એ ઝેરનું અમૃત નથી બનતું.

પીળા રંગે રમેલા, એ પીતાંબરધારી મનવંતર
લુંટાયા આખરે કાબા વડે, લો! એમ પણ બનતું.

પીળાં પાનાં, શબદ પીળાં, પીળા નેતા, પીળા લોકો
પીળા માહોલમાં સાચું કહું તો સૌ પીળું બનતું.

——————-

- સુરેશ જાની

20, મે- 2009 , અરવીન

મારી જીંદગી છે તુ – એક જાહેરાત

     મારા ખાસ મીત્ર ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ અમુક વિશીષ્ઠ સંજોગોમાં ઉપર જણાવેલ શિર્ષકવાળી કવિતા,  અનુવાદ કરીને લખી હતી; અને તેના ‘તુલસી દલ’ નામના બ્લોગ પર પ્રકાશિત કરી હતી. એક અઠવાડીયા બાદ તેણે આ બ્લોગ પર તેને પ્રકાશિત કરવા મને વિનંતિ કરી હતી. જે મેં પ્રસિધ્ધ કરી હતી.

‘ તુલસી દલ ‘  ઉપર

‘ કાવ્યસુર ‘ ઉપર

   રાજેન્દ્રે કેવા વિશીષ્ઠ સંજોગોમાં આ કવિતા લખી હતી, તેની જાહેરાત કરી, સસ્તી સહાનુભૂતિ મેળવવા અમારા બન્નેમાંથી કોઈની  ઈચ્છા નથી.

    પરંતુ, આ ઘટનાની ખણખોદ કરી, કોઈ અમારી બદનામી કરે; ચારિત્ર્ય ખંડન કરે; અનેક ગુજરાતી ગ્રુપોમાં અને પોતાની વેબ સાઈટ પર જાહેરાત કરે; ચેટમાં મને સતત માનસિક ત્રાસ આપે; અધિકાર વિનાના, અયોગ્ય દબાણો કરાય; એ અંગે હલકા શબ્દો વપરાય; સુરૂચિનો ભંગ થાય તેવા, પ્રતિભાવો લખાય; વિગતમાં  ઉતરવાનો સન્નીષ્ઠ પ્રયાસ કર્યા વિનાની, અપરિપક્વ ચર્ચાઓ થાય –  એ સઘળાંને અમે માન્ય રાખતા નથી.  

    આવી વૃત્તિઓના પ્રામાણિક વિરોધના પ્રતિક તરીકે, ઉપરોક્ત બન્ને ઠેકાણે આ અનુવાદિત કવિતા માત્ર અમારા સ્નેહી મિત્રો અને સ્વજનો જ વાંચી શકશે. આમ કરવાનો બ્લોગર તરીકે અમને પૂર્ણ અધિકાર છે –  તે સર્વે વાચક મિત્રોને અને ગુજરાતી બ્લોગરોને વિદિત થાય.  

   બ્લોગીંગ કમ્પની દ્વારા કોઈ પણ બ્લોગરને અપાયેલ આ હક્કનું સન્માન ન કરાય; તે અમને સ્વીકાર્ય નથી.

- ડો રાજેન્દ્ર ત્રિવેદી

-  સુરેશ જાની  

આભલું નીરાળું – રમેશ પટેલ(આકાશદીપ)

નથી ઘૂંઘટ કે લાગે શર્માળું કે
તોય મારું આભલું કેટલું રુપાળું

નથી  ફૂલડું કે રેશમ  રુપાળું ને
તોય એતો નમણું ને લાગે નીરાળું

નથી મુગટ કે કુંડલ ખન-ઝાંઝરું
તોય રાધાના કાન  જેવું  સાંવરું

ઉડે પંખી શાં મસ્ત એને ખોળલે
ધરે મેઘ સપ્તરંગો એને કોટડે

ઢળે સંધ્યા કે  ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વ્હેંચાયા રે આનંદજી

એતો સૂરજ સજ્યું રે  સોહામણું
એનું પાવન દર્શન શું લોભામણું

ઝૂમે તરુવર  પંખીગાન  સાથજી
પામું દર્શન ને પાય લાગું નાથજી

- રમેશ પટેલ(આકાશદીપ)

સમાચાર

   અત્યંત આનંદ સાથે જણાવવાનું કે ગદ્યસુર પર પ્રકાશીત થયેલાં, અને મને સૌથી વધારે ગમતાં, લખાણોનો અંગ્રેજીમાં  અનુવાદ હવે નીચેના બ્લોગ ઉપર વાંચી શકાશે.

Expressions

    આગળ ઉપર, સમય મળ્યે, મને ગમતાં ગુજરાતી લેખો, વાર્તાઓ અને કાવ્યોનો અંનુવાદ પીરસવા પણ વીચાર છે. સૌ વાચક મીત્રોને વીનંતી કે, ગુજરાતી ન જાણતા તમારા મીત્રોને આ અંગે જાણ કરી, લાભ લેવા પ્રોત્સાહીત કરશો.

ચક્રવાત – રમેશ પટેલ(આકાશદીપ)

કલમ ઉપાડી કવી નીકળ્યા

             બસ કુદરત ખોળે રમશું

નર્તન કરતી જોઈ વનરાજી

                ટહુકે  ટહુકે    ભમશું

 

જળચર પંખી સરવર ર્તીરે,

                 ચણ  દઈ   બોલાવશું

રેશમ પીંછે સ્પર્શ કરીને,

               બાળા   પંખી   રમાડશું

 

મસ્ત ઘટાઓ છાયી ગગને

            હરખે   કવી    મસ્તાના

વાહ! કુદરત તારી કરીશ્મા

           પાવન   તારા    શરણા

 

ત્યાંતો ચેતવણીના સુરો ગુંજ્યા

          ચક્રવાત   ધાયે    વીકરાળા

ઉડશે છાપરા અંધારા થાશે

         ધમરોળશે વીનાશના ઓળા

 

ભાગ્યા કવી સૌની આગળ

     અંતરીયાળ થયા કલ્પન ખટોલા

સૌની સાથે છુપાયા ખુણે

      વીચારે કેમ જીવશે પંખી રુપાળા

 

શરમ મુકીને સૌને ગજબ દોડાવે તું કીરતાર

       કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર

કવી કહે ઓ નીષ્ઠુર વીધાતા

              આ  બાળા પંખી   શું     જાણે

ચેતવણીથી અમે ખુણે ભરાણા

       દીધા પંખીને ઘર વૃક્ષ ટોચે શું અજાણે?

 

સુણી સંવેદના મારી જાગ્યો ભગવંત દુર ગગને

    તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે

 ખુમારીથી કવીએ  કલમ   ઉપાડી

      ખુશ   થયા    ટોર્નેડોને       ભગાડી

ધીરે ધીરે  છાયાં  ગગને મસ્ત  ઘટાથી  વાદળ

      બાળા પંખી નાનાં બે ઘુમતાં કેવાં માની પાછળ

-  રમેશ પટેલ(આકાશદીપ)

       તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી. અંધારપટ  વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વીનાશની આંધી.  અમારા ધરની પાછળ, તળાવ કીનારે નવજાત બચ્ચાંને લઈને કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી. અમને સૌને દુરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જન્સી  કીટ સાથે આશ્રય લેવા માહીતી આપી રહ્યું હ્તું  ….શું થશે? પણ

 વ્યથાનો સારો અંત એટલે આ …    ‘ચક્રવાત’

—————————————–

રમેશ ભાઈ ! અમારે આપત્તી આવી પડશે ત્યારે આવી કવીતા અમારા માટે પણ લખશો  ને? 

સમાચાર

     મને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, ન્યુ જર્સીથી પ્રકાશીત થતા, ‘ ગુજરાત દર્પણ’ ના એપ્રીલ – 2009 ના અંકમા મારી વાર્તા ‘શિલા’ પ્રકાશીત થઈ છે.

    ગદ્યસુર પર વાંચો –    ભાગ – 1        :      ભાગ -2  

     ‘ ગુજરાત દર્પણ’ ના સંચાલકો  શ્રી. સુભાષ શાહ અને શ્રી. કલ્પેશ શાહનો ખુબ ખુબ આભાર.

કુંવરબાઇનું મામેરું – 2009

દીકરી ના આવ્યા હોંશીલા તેડા..
યુ.એસ.જાવાના કંઇ કર્યા કોડ..
મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ,
લઇ શું જાવું દીકરી માટે?
નથી ત્યાં ક્શી યે ખોટ. સાયબી છલકે દોમદોમ……
ત્યાં કુંવરબાઇ ના મામેરા સમ .
લિસ્ટ આવ્યું લાંબુલચક…..!!.

અહીં ઝળહળતા પ્રકાશ ના ધોધ માં,
આંખ્યુ જાય અંજાય..
માટી ના કોડિયા ની મીઠી રોશની લાવજો,
ને વળી તુલસીકયારાની મઘમઘતી મંજરી..

હ્લ્લો ને હાય માં અટવાતી રહી,
જેશ્રીક્રુશ્ણ ના નાદ બે-ચાર લાવજો.
લાવજો છાબ ભરી કોયલના ટહુકા,
ને ઉષા ના પાલવમાંથી ઉગતા-

સૂરજ નો રાતોચોળ રંગ……..
ગોકુળ ની ગલીઓનો ગુલાલ અને,

રજ વનરાવનની લાવજો…
ખોવાઇ ગયેલ જાત ને જોઇ શકું,

આયનો એવો એક લાવજો..
ગુણાકાર-ભાગાકાર કરી કરી,
ગણિત થઇ ગયું હવે પાકું,
ડોલરિયા આ દેશમાં…

વહાલના સિક્કા બે-ચાર વીણી લાવજો.
‘કેમ છો બેટા’?કોઇ ન પૂછતું ભીના કંઠે,
આંસુ લૂછવાને ટીસ્યુ નહી,પાલવ તારો લાવજો.
સગવડિયા આ પ્રદેશ માં ..
લાવજો હાશકારી નવરાશ,

ને છાંટજૉ કુટુંબમેળા ના કંકુછાંટણા………..
મસમોટા આ મારા મકાન ને..
ઘર બનાવવાની રીતો જરુર લાવજો,

ઉપરથી તો છઇએ લીલાછમ્મ..
પણ મૂળિયાં તો એની માટી ને તરસે….
પરફયુમ –ડીઓ નહીં.
ભીની માટી ની ભીનાશ ભરી લાવજો
થોડું લખ્યું ,જાજું કરી વાંચજો,
વેલાવેલા આવી હેતના હલકારાઆલજો.

- નીલમબેન દોશી 
—————————————

      આ કવીતા કોણે લખી છે, તે તો ખબર નથી. પણ ઈન્ટરનેટ પર મીત્રોએ વારંવાર મોકલ્યા કરી છે. છેલ્લી વાર મળી ત્યારે શીર્ષક જોઈને ડીલીટ જ કરવાનો  હતો. પણ મારા એક માત્ર લશ્કરી મીત્ર કેપ્ટન  નરેન્દ્રે મોકલી છે ; તે જોઈ, આ લડાયક માણસ પણ કવીતામાં રસ ધરાવે છે, જાણી આનંદ થયો …

  ( આ લખાયા બાદ આદરણીય શ્રી. વિનય ખત્રીએ સંશોધન કરીને જણાવ્યું કે આ કવીતા તો મારાં નેટ દીદી શ્રીમતી નીલમબેન દોશીની રચના છે. ) 

     ઈમેલ સંદેશો  ખોલ્યો. અને ત્યાં તો અંદરથી એમનું એક કાવ્ય-પુષ્પ ખરી પડ્યું  ..

     લો વાંચી લો. લશ્કરી દીમાગના હૃદયમાંથી પ્રગટેલું એ પુષ્પ - 

વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
આંખ્યુંમાં આવી ગયાં પૂર,
વહેતા આ જળમાં પાવન થયા, ને
સ્નેહની પમરાઇ સુગંધ.

——————————

     હવે વાત જાણે કે એમ છે કે, આ દોઢડાહ્યા જણને એનું ગુંજન કરતા કશુંક કાંઈક ખુંચ્યું .. અંને કેપ્ટનના અંતરનો ભાવ એનો એ રાખીને થોડાં અળવીતરાં કરી લીધાં.

   લ્યો ! એ પણ વાંચી લ્યો ત્યારે -

વહાલનો ગુલાલ તમે વહેંચ્યો અહીં,ને
આવ્યાં આંખ્યુંમાં લાગણીનાં પૂર,

વહેતા વારીમાં અમે પાવન થયાં, ને
બધે ફેલાઈ સ્નેહની સુગંધ.

     બસ! મીત્રો, જોજનો દુર હોવા છતાં આમ એકમેકની સાથે ગુલાલ વહેંચતા રહીએ.

     આમ વ્હાલ અને સદભાવના વહેંચતા રહીએ

પ્રેમની રે વાત – રમેશ પટેલ(આકાશદીપ)

આજ પ્રેમ તને પુછું,
    કે કેવા તારા રુપ રંગ
તો કહે જા પુછ ફુલને,
   કેમ મ્હેંકે લઈ ઉમંગ
 
પ્રેમ તું તો આતમનું નુર
     જાણવા મારે તારા સરનામાને પંથ
સાંભળ તું બંસરીના નાદ,
     બતાવશે તને રાધાને ગોકુળનો નંદ
 
   આવો માંડીએ પ્રેમની રે વાત
   પ્રેમ  એ  તો  ઉગતું    પ્રભાત
 
   ભીંજે   તો  ઝરમર  વરસાદ
   તરસે   તો   છોડે     મરજાદ
 
    સ્નેહ એ તો  તપતું    કુંદન
    પીસાયે  તો  મ્હેંકતું   ચંદન
 
    ઉડે   પ્રેમ   પંખી    ગગન
    ના  ગમે   કોઈનું    બંધન
 
   પ્રેમ ઝુરે  તો  અંધારી   રાત
   પ્રેમ ઝુમે  તો સાગરની  જાત
 
   ચાંદ ચમકેને સાગર રેલાય
   પ્રેમ કદી  પીંજરે  ના પુરાય
 
  પ્રેમ તું  તો વહાલો  વંટોળ
  જગ  જાણે તારા  રે  મોલ
 
  ચાહ એ  તો જીવનની  આશ
  છીપે ના છીપાયે એવી પ્યાસ
 
- રમેશ પટેલ(આકાશદીપ)

ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

    ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

   ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

   પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

    આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

    આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
- અમદાવાદ 

મુખ્ય વક્તાઓ

 

શ્રી. સુરેશ દલાલ 

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી   

વીગતવાર માહીતી જાણવા આ સાથેની ફાઈલ ડાઉન લોડ કરો.

આ કાર્યક્રમને આનુષંગીક ‘ ગુજરાતી ભાષા પરીષદ’ ના મંત્રી શ્રી. કિરણ ત્રિવેદીનો સંદેશ 

————————————————————- 
વ્હાલા ગુજરાતીઓ,

  ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

  1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
  2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
  3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
  4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

-  કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ