આનંદમયી-1

આનંદમયી, ચૈતન્યમયી, સત્યમયી પરમે . . .


       ગુજરાતી સાહિત્યની ગઇ પેઢીના મૂર્ધન્ય કવિ શ્રી સુંદરમની, પોંડિચેરી આશ્રમના માતાજીને માટે લખાયેલી આ સ્તૂતિ શ્રી અરવિંદના સાધકોને બહુ જાણીતી છે. વેદો અને ઉપનિષદો માં ૐ સત્ ચિત્ આનંદ એમ લખાય છે. આ ક્રમ કેમ તેમણે કેમ બદલી નાંખ્યો?
        મારા સદગત પિતાજી અમને ઘરમાં આ સ્તૂતિ અચૂક ગવડાવતા. ત્યારે મને હંમેશ આ પ્રશ્ન ઊઠતો. હમણાં જ મને આ બાબતમાં સ્ફૂરણા થઇ, અને આ વિચારો અંદરથી ઊઠ્યા. આજે આ વિચારોને અક્ષરદેહ મળે છે.
           એક મહાશક્તિ જેને માણસજાતે ઇશ્વર, અલ્લાહ કે યહોવાહ વિગેરે નામો આપ્યાં છે તેના લક્ષણોની ૐ સત ચિત આનંદ ના સૂત્રમાં સુંદર રીતે અભિવ્યક્તિ થઇ છે.
ૐ – પરમ, સૌ ભૌતિકતાથી અલગ પણ કણ-કણનું આધારભૂત તત્વ.- સૌ અસ્તિત્વનો પાયો.
સત – નક્કર વાસ્તવિકતા, કપોલ-કલ્પિત નહીં કે માન્યતા પર આધારિત નહીં, પણ ઠોસ
ચિત – સજીવતાનું પાયાનું લક્ષણ – જડતા થી કૈક વિશેષ , એ તત્વ જે માપી કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જોઇ ન શકાય .
આનંદ – સૌ જીવિતનું એક માત્ર લક્ષ્ય
      આ ચાર લક્ષણો નો સમાવેશ જેમાં છે તેનાથી સૃષ્ટિ રચાઇ છે, તે સર્જક છે, તે ઇશ્વર છે.
       પણ આપણે તેની અનુભૂતિ કરવી કઇ રીતે? આપણી ચેતના તો જડતામાં, અંધકારમાં અટવાયેલી છે. તે આ પરમ તત્વની સાથે શી રીતે એકરૂપ થઇ શકે? શી રીતે તે તત્વનો જીવનમાં આવિર્ભાવ થાય?
       માટે પ્રથમ પગલું આનંદ જ હોય. જીવનનું જે એક માત્ર પાયાનું ધ્યેય છે ત્યાંથીજ આગળ જવાનું છે. માટે પહેલાં તો આનંદ પ્રાપ્ત કરવાનો છે. પરમ તત્વની સાથે એકરૂપ થવાનો માર્ગ શુષ્ક કદી ન હોઇ શકે. હરક્ષણ, હરસ્થળ માત્ર આનંદ, આનંદ અને આનંદ જ હોય, ધસમસતો આનંદ જ હોય ત્યાર પછી જ આગળ વધવાનું છે.
આનંદમાંથી પ્રગટશે. સાચી સજીવતા., ચૈતન્ય. એવું ચૈતન્ય જે આપણા અણુ અણુ માં વ્યાપ્ત છે. જેના થકી આપણું ધસમસતું શોણિત કોષે કોષને છલકાવી દે છે અને તેમનામાં પ્રાણ પૂરે છે. એ છલ છલ ચૈતન્યની અનુભૂતિ તે બીજું પગથીયું.
          આ સ્થિતિએ જ્યારે આપણું હોવાપણું પહોંચે ત્યારે જ નક્કર વાસ્તવિકતાની- સત્યની અનુભૂતિ થાય. ત્યારે જ જેને ઋત કહેવાય છે તે ઠોસ વાસ્તવિકતા – તે સત્ય ઓળખાય.
          અને સત્ય ખબર પડે ત્યારે જ ૐ શું છે તે ખબર પડે. પરમ દૂર નથી પણ આપણા સમગ્ર અસ્તિત્વમાં તે દિવ્યતા ઓતપ્રોત થયેલી છે તે અનુભવાય.
           આને સાક્ષાત્કાર કહો કે ગમે તે કહો..તે તો શબ્દથી, ઇન્દ્રીયથી મળતા જ્ઞાનથી સાવ નિરાળું છે. અને છતાં તે જ સર્વસ્વ છે.
           માટે જ આ રસ્તો દિવાનાઓનો કહેવાય છે. અને દિવાનાઓનો આનંદ તો દિવાના જ જાણે ને? ૐ સત ચિત આનંદ ને જીવનમાં ઊતારવું હોય તો આનંદ, ચૈતન્ય અને સત્યની અનુભૂતિ કરવી પડે.

4 Responses to “આનંદમયી-1”

  1. Pragnaju Prafull Vyas Says:

    “માટે પ્રથમ પગલું આનંદ જ હોય. જીવનનું જે એક માત્ર પાયાનું ધ્યેય છે ત્યાંથીજ આગળ જવાનું છે. માટે પહેલાં તો આનંદ પ્રાપ્ત કરવાનો છે. પરમ તત્વની સાથે એકરૂપ થવાનો માર્ગ શુષ્ક કદી ન હોઇ શકે. હરક્ષણ, હરસ્થળ માત્ર આનંદ, આનંદ અને આનંદ જ હોય, ધસમસતો આનંદ જ હોય ત્યાર પછી જ આગળ વધવાનું છે”.
    સંતો કહે છે ‘આનંદ’અંશીનું સ્વરુપ છે.
    તેથી તેના અંશનુ,આપણું સૌનું,
    સ્વરુપ પણ આનંદ છે.
    તેને માટે ફક્ત માયાનું આવરણ દૂર કરવાનું છે.


Leave a Reply