કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

ફુલ વીણ સખે

Posted by સુરેશ on July 4, 2006

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!

હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,

ઘડી બે ઘડીમાં મરતી દિસશે.

સુમહોજ્વલ આ કિરણો રવિનાં,

પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે,

કંઇ કાલ જતે,

રવિ એ પણ અસ્ત થવા ઢળશે,

નમતાં શિર સૌ કુસુમો કરશે,

પછી ગંધ પરાગ નહીં મળશે,

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!

હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!

ભર યૌવન આ હજુ રક્ત સખે!

ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!

ભરતી પછી ઓટ જ હોય સખે!

ફુલ વીણ, સખે!

તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,

રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;

હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,

ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,

તરુઓ લડતાં,

વિહગો ઉડતાં,

કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;

ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,

ઉગતો રવિ લોઇ ન શું હસતું?

પછી કેમ વિમાસી રહ્યો તું સખે!

ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!

હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

કલાપી

2 Responses to “ફુલ વીણ સખે”

  1. ગુજરાતી સર્જક પરિચય » કલાપી Says:

    [...] -  ફુલ વિણ સખે ! [...]

  2. ચંદ્ર « સહિયારું સર્જન - પદ્ય Says:

    [...] રાજવી કવિ કલાપી કહે છે ……  “ઢળતી થઇ તો ઢળતી જ થશે, રજની મહીં ચંદ્ર ઉ… [...]

Leave a Reply

XHTML: You can use these tags: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>