તા. 7 , જાન્યુઆરી- 2007, રવિવારના રોજ 2006ના વર્ષ માટેનો ‘ તરકશ’ એવોર્ડ ‘ જાહેર કરવામાં આવ્યો ; એ એક આવકાર્ય અને અભૂતપૂર્વ ઘટના છે. પૂર્વ-નિર્ધારિત નીચે જણાવેલ સાત બ્લોગરોમાંથી વાચકોના મતના આધારે આ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
1. અમિત પીસાવાડીયા - ઉપલેટા
2. ‘ઉર્મીસાગર’ - ન્યુ જર્સી
3. જયશ્રી ભક્ત - લોસ એંજેલસ
4. નીલમ દોશી - કલકત્તા
5. સુરેશ જાની - ડલાસ
7. ડો. વિવેક ટેલર - સુરત
ઉપરોક્ત બ્લોગરોમાંથી વિશ્વવ્યાપી લોકમતના આધારે નીચે મુજબ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા : -
1. સુવર્ણ કલમ – જયશ્રી ભક્ત/ સુરેશ જાની
2. રજત કલમ – ડો. વિવિક ટેલર
3. કાંસ્ય કલમ – ‘ઉર્મીસાગર’
આ એવોર્ડ અમદાવાદના હિન્દી/ ગુજરાતી ભાષી યુવાન મિત્રો પંકજ બેંગાણી, સંજય બેંગાણી, સમીરલાલ અને રવિ કામદારના ભેજાની પેદાશ છે! તેમની વેબ સાઇટ ‘ તરકશ ‘ ઓગસ્ટ - 2005 માં શરુ કરવામાં આવી હતી. તેમણે આવો જ એવોર્ડ હિન્દી બ્લોગરોને પણ અર્પ્યો છે. આવું કંઇક કરવું જોઇએ તેવી તેમની ભાવના માટે સૌ બ્લોગરો તેમના ઋણી રહેશે. ગુજરાતી બ્લોગરો અને વાચકોના ઉત્સાહને બળવત્તર બનાવનાર આ પ્રયત્ન ખરેખર બીરદાવવા લાયક છે. બ્લોગરોના સ્વયંસ્ફુરિત જોમને આથી ખૂબ સારો ટેકો મળશે તે વાત નિર્વિવાદ છે.
કદાચ આ એવોર્ડના નિયમો અને પધ્ધતિમાં સુધારાને અવકાશ હશે. બધા બ્લોગોને આમાં સ્થાન મળવું જોઇતું હતું. અને નિર્ણયની પ્રક્રિયા પણ સુધારી શકાઇ હોત - જેમકે કોઇ પણ બ્લોગરને મળેલા ત્રણે વિભાગોના મતોને વજનવાર ગુણાંક આપવામાં આવ્યા હોત તો બધા મતોને યોગ્ય પ્રતિનિધિત્વ મળત. આપવામાં આવેલા મતોના આધારે, દેખીતી રીતે માત્ર જયશ્રી ભક્ત જ ‘સુવર્ણ કલમ એવોર્ડને માટે સૌથી યોગ્ય બ્લોગર છે.
એ જણાવવાની પણ તક લઉં છું કે, આ ટીમે ‘ ઓટલો ’ જેવી સરસ બ્લોગ - સીન્ડીકેશનની વેબ સાઇટ બનાવીને વિશ્વ ગુજરાતી સમાજની ઘણી સેવા કરી છે. તેમણે હિન્દી બ્લોગરો માટેના ટ્યુટર પણ બનાવ્યા છે જે, ગુજરાતી બ્લોગરો પણ વાપરી શકે છે. તેમના દ્વારા પ્રસંગોપાત્ અપાતા ગુજરાતી બ્લોગોના રીવ્યૂ પણ વિવેચનની એક નવી ભાત પાડી જાય છે.
કોઇને થશે કે, આ લખનારને પ્રથમ એવોર્ડ મળ્યો છે માટે આ પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ, આને કોઇના વ્યક્તિગત વિજય તરીકે મૂલવવા કરતાં આ ઘટનાથી ગુજરાતી બ્લોગીંગની પ્રક્રિયાનો વિજય થયો છે, તેને એક નવું પરિમાણ મળ્યું છે - તે અગત્યનું છે ; તે બહુ જ આવકારદાયક છે. ભાગ લેનાર સૌ મિત્રો જ છે; ‘ગમતાનો ગુલાલ’ કરવાની ફિલસુફીમાં માને છે અને આનંદથી એકમેકની સાથે આ પ્રવૃત્તિની સાંકળથી જોડાયેલા છે. આ તો સૌને માટે આનંદની ઘટના છે.
આ પ્રથમ પ્રયત્ન માટે તરકશ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. ભવિષ્યમાં પણ તરકશ ટીમ દર વર્ષે પૂરતો સમય સૌને આપીને અને એવોર્ડની સમગ્ર પ્રક્રિયાનું પુનર્મૂલ્યાંકન કરીને આ એવોર્ડને વધારે ને વધારે દેદીપ્યમાન બનાવે તેવી શુભ કામના ….


