આમ તો રોજ સૂતા પહેલાં,
જોતો હતો
સાવ ઘટના વિહીન,
કોઇ નોંધ કે પ્રાણ
કે કવિતા વિના …
રાતની નિર્જન શાંતિમાં,
પાછળ આવેલા,
થોડીક ઊંચાઇ પરના,
પાડોશીના ઘર
અને અમારી વચ્ચે,
કાળી ધબ લાકડાની વાડની,
ફાટોની વચ્ચેથી,
ચળાઇ આવતી,
નિર્જીવ, પીળાશ પડતા
કેસરી રંગની ફીક્કી,
એ જ વીજળીની બત્તી.
અને કોઇ પ્રાણ વિના,
પાનખરના ઝપાટે ખરેલાં
પાનના વિયોગમાં આક્રંદ કરતી,
તે બતીના ફીક્કા પ્રકાશથી,
અંધારામાં થોડી ઉજાસાતી
ઓકના ઝાડની એ જ
સાવ નિર્વસ્ત્ર ડાળીઓ.
પણ ……
કાલે જોયું મેં એક દર્શન,
અભૂતપૂર્વ, અવર્ણનીય,
કોઇ કવિતામાં કદી ન વાંચેલું.
એ જ સૂમસામ ઘર
એ જ નિસ્તબ્ધ શાંતિ,
એ જ કાળી ધબ્બ,
લાકડાની વાડ ની ફાટો,
એ જ નિષ્પ્રાણ વૃક્ષ,
એ જ પીળો ચટ,
નીરસ પ્રકાશ વેરતી
એ જ વીજળીની બત્તી,
પણ …..
એ જ પીળો ચટ્ટ પ્રકાશ,
ઉજાળી રહ્યો હતો,
એ જ નિષ્પ્રાણ ડાળીઓ પર,
થીજી ગયેલાં
વર્ષાબિંદુઓને.
અને એ જ પીળો ચટ્ટ
સાવ પ્રાણ વિહીન
પ્રકાશનો ટૂકડો,
બની ગયો હતો…..
અગણિત, સોનેરી,
આભની અસંખ્ય તારલીઓ સમ,
કાળા ધબ પાર્શ્વમાં, ઝળહળતી,
દેદીપ્યમાન, પ્રકાશ કણિકાઓનો
ઝળહળતો પુંજ.
અને મુગ્ધ મને પૂછ્યુ…
”એ શું?”
———————————–
( 14 જાન્યુઆરી- 2007 ના રોજ ‘સર્જન સહીયારું’ પર પ્રકાશિત મારું પ્રથમ અછાંદસ કાવ્ય.)
જવાબ - છેલ્લી બે લીટી બાદ કરતાં - શિયાળાની રાતે 26 અંશ ફેરનહીટે તરત પડેલા વરસાદને કારણે થીજી ગયેલી હીમ કણિકાઓ !!
છેલ્લી બે લીટીના જવાબ માટે વાંચો -
એ શું ? – ‘અંતરની વાણી’ ઉપર…..