પ્રેમ
Posted by સુરેશ on February 13, 2007
મુક્તક - શાર્દૂલ વિક્રીડિત
———————–—————–
માતા હરખે બાલુડાં નિરખીને, કિલ્લોલતાં - પ્રેમ ના?
મસ્તાનો મય પ્યાલીથી મલપતો, એ કેમ હો પ્રેમ ના?
શું ના પ્રેમ રતિક્રીડા રસભરી, વ્હાલા અને વ્હાલીની?
સંભવ ના કદી પ્રેમને પરખવો, પ્રેમ એટલે પ્રેમ છે.
- સુરેશ જાની
આ મુક્તકમાં પ્રેમના ત્રણ સ્વરૂપો દર્શાવવા મેં પ્રયત્ન કર્યો છે.
માતાનો પ્રેમ એ સાત્વિક અને સૌથી ઊંચો પ્રેમ છે. પરમ તત્વનો આપણા માટે જે પ્રેમ છે તેનો સૌથી શુધ્ધ સાક્ષાત્કાર.
કોઇ પણ ચીજ માટેનો નશો કે પાગલપન , જે એક વૈજ્ઞાનિકને તેની પ્રયોગશાળામાં અથાગ કામ કરવા કે એક મેરેથોન દોડના રમતવીરને પોતાના હરેક સ્નાયુ પાસેથી છેલ્લી બુંદ સુધી તાકાત કઢાવે છે - તે મયની પ્યાલી - તે રાજસિક પ્રેમ છે.
સ્ત્રી પુરુષના પ્રેમનો પાયો , સમાગમ સુખની તીવ્ર લાલસા, એ પણ પ્રેમનું જ એક રૂપ છે , જેના થકી જીવની ઉત્પત્તિ થાય છે. આ મારા મતે પ્રેમનું તામસિક રૂપ છે. ઘણા અનિષ્ટો પણ આનાથી સર્જાયા છે.
આપણે પ્રેમને માત્ર આ ત્રીજા સ્વરૂપે જ ઓળખતા રહ્યા છીએ !
Posted in સુરેશ | 11 Comments »