પ્રેમ

મુક્તક – શાર્દૂલ વિક્રીડિત
———————–—————–
માતા હરખે બાલુડાં નિરખીને, કિલ્લોલતાં – પ્રેમ ના?
મસ્તાનો મય પ્યાલીથી મલપતો, એ કેમ હો પ્રેમ ના?
શું ના પ્રેમ રતિક્રીડા રસભરી, વ્હાલા અને વ્હાલીની?
સંભવ ના કદી પ્રેમને પરખવો, પ્રેમ એટલે પ્રેમ છે.

- સુરેશ જાની

આ મુક્તકમાં પ્રેમના ત્રણ સ્વરૂપો દર્શાવવા મેં પ્રયત્ન કર્યો છે.

માતાનો પ્રેમ એ સાત્વિક અને સૌથી ઊંચો પ્રેમ છે. પરમ તત્વનો આપણા માટે જે પ્રેમ છે તેનો સૌથી શુધ્ધ સાક્ષાત્કાર.

 કોઇ પણ ચીજ માટેનો નશો કે પાગલપન , જે એક વૈજ્ઞાનિકને તેની પ્રયોગશાળામાં અથાગ કામ કરવા કે એક મેરેથોન દોડના રમતવીરને પોતાના હરેક સ્નાયુ પાસેથી છેલ્લી બુંદ સુધી તાકાત કઢાવે છે – તે મયની પ્યાલી -  તે રાજસિક પ્રેમ છે.

સ્ત્રી પુરુષના પ્રેમનો પાયો , સમાગમ સુખની તીવ્ર લાલસા,  એ પણ પ્રેમનું જ એક રૂપ છે , જેના થકી જીવની ઉત્પત્તિ થાય છે. આ મારા મતે પ્રેમનું તામસિક રૂપ છે. ઘણા અનિષ્ટો પણ આનાથી સર્જાયા છે.

આપણે પ્રેમને માત્ર આ ત્રીજા સ્વરૂપે જ ઓળખતા રહ્યા છીએ !

11 Responses to “પ્રેમ”

  1. vishwadeep Says:

    પ્રેમ એટલે પ્રેમ “”
    પ્રેમ ભાષા બદલાય !! બાળ વયમાં, ને વળી યુવાની માં, ને પાનખરમાં હોય જુદી…
    ચાલો બદલતી ઋતુ ને વધાવીયે!!! છતાં પ્રેમ તો બસ પ્રેમછે.

  2. ઊર્મિસાગર Says:

    સુંદર રસાસ્વાદ કરાવ્યો છે દાદા!

    પણ “શાર્દૂલ વિક્રીડિત” એટલે શું, એ પણ સમજાવવું પડશે!!
    આ સવાલ, જુગલકાકા માટે પણ છે… અને જે બીજું કોઇ સમજાવી શકે એને માટે પણ!

  3. jugalkishor Says:

    19 પંક્તિઓ એટલે શા.વિક્રિ. ન કહેવાય,પ્રભુ!જુઓ :
    માતાહ/રખેબા/લુડાંની/રખીને/કિલ્લોલ/તાપ્રેમ/ના
    આ મુજબ જોતાં ગણોના ક્રમવાર નામો આ છે :
    1=તગણ/2=યગણ/3=જગણ/4=યગણ/5=તગણ/6=તગણ/ગા
    જ્યારે શાર્દૂલ.ના 6 ગણો આ મુજબ છે : મ/સ/જ/સ/ત/ત/ગા હવે મારી આ પંક્તિઓ જુઓ :
    જાતાં જીવનની અનંત સફરે આ તો વિસામો જરી,
    પોરો ખાઈ નિરાંતનો ઘડિકને પાછાં થશું ચાલતાં;
    તોયે આ વળગી અહો અજબની માયા મીઠી સ્નેહની,
    ભૂલી કેમ ભુલી શકાય મનથી,સાથે ભલે આવતી !

    દરેકને ત્રણ ત્રણના ભાગમાં વહેંચી જુઓ. મસજસતત ગા
    6ગણના 18 અને છેલ્લો એક ગુરુ= 19 થાય.
    તમારી પંક્તિઓમાં ગણો ખોટા પડે છે.મોટે ભાગે છંદનો રાગ આપણને આવડતો હોય અને અક્ષરોની સંખ્યા મળી જતી હોય એટલે આમ થઈ જાય.મારા જીવનની સૌથી પહેલી કવિતા શિખરિણીમાં હોવાનો વહેમ લઈને પિતાજી કને ગયો ત્યારે મને આમ જ કહીને સમજાવ્યો હતો !મારી પ્રથમ કવિતા હું 20મીનીટમાં સુધારીને સાચી કરાવી લાવ્યો હતો. આપણે તો ગઝલંનેય છંદમાં ઢાળવાની પ્રેક્ટીસ કરી શકીએ !! જુ.

  4. pravinchandra Says:

    શાર્દૂલવિક્રીડિત
    ==========
    વિભાગ નં ૧
    =========
    અક્ષર :૧૯
    યતિ :૧ ,૧૨મા અક્ષરે.
    ત્રણ ગુરુ અક્ષરથી શરુ થાય : એટલેકે મગણથી શરુ થાય.ત્રણે ગુરુ;માતારા;દા:તરીકે:
    ” હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો ”
    આમાં ‘હી,રા,ની, ત્રણે ગુરુ અક્ષરો છે.
    ———–

    વિભાગ નં ૨
    ===========
    [અ]૧૨ અક્ષરથી શરુ થતો લાંબા પ્રસરણ વાળો આ પ્રથમ ખંડ.
    આને મનમાં ગણગણીએ તો શાર્દૂલની (સિંહની) લાંબી ફાળની
    યાદ આવી જાય.
    શા માટે શાર્દૂલવિક્રીડિત છંદ કહેવાય છે એ આના પરથી સમજાશે.

    [બ]૭ અક્ષરનો બીજો ખંડ :ઊંધેથી વાંચતાં શાલિનીનો ઉત્તર ખંડની યાદ
    આપશે.

    સિંહની ફલાંગ ૧૨ હાથની હોય છે;માટે ૧૨ ાક્ષરે યતિ-વાળા આ છંદને
    શાર્દૂલવિક્રીડિત નામથી ઓળખાય છે.

    વિભાગ ૩.
    =========
    ગણ પ્રમાણે:

    મ,સ,જ,સ,ત,ત =૧૮ અને અંતે ગા (ગુરુ);આમ કુલ્લે ૧૯ અક્ષરો.

    ગાગાગા
    સલગા
    જભાન
    સલગા
    તારાજ
    તારાજ
    +
    ગા [ગુરુ]
    ============================

    ઉદાહરણ:

    ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં
    ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી.

    ============================

    આ કસોટી પર કાવ્યને કસી જુઓ અને આનંદનો પરિચય કરો.
    કવિતા કેટલી શિસ્ત માગે છે એ પણ ખ્યાલમાં આવી જશે.

    શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ.
    ===========================================

  5. jugalkishor Says:

    19 પંક્તિઓ એટલે શા.વિક્રિ. ન કહેવાય,પ્રભુ!જુઓ :
    માતાહ/રખેબા/લુડાંની/રખીને/કિલ્લોલ/તાપ્રેમ/ના
    આ મુજબ જોતાં ગણોના ક્રમવાર નામો આ છે :
    1=તગણ/2=યગણ/3=જગણ/4=યગણ/5=તગણ/6=તગણ/ગા

    ત-ય-જ-ય-ત-ત-ગા.આ બંધારણ શાર્દૂલનું નથી.
    જ્યારે શાર્દૂલ.ના 6 ગણો આ મુજબ છે : મ/સ/જ/સ/ત/ત/ગા હવે મારી આ પંક્તિઓ જુઓ :
    જાતાં જીવનની અનંત સફરે આ તો વિસામો જરી,
    પોરો ખાઈ નિરાંતનો ઘડિકને પાછાં થશું ચાલતાં;
    તોયે આ વળગી અહો અજબની માયા મીઠી સ્નેહની,
    ભૂલી કેમ ભુલી શકાય મનથી,સાથે ભલે આવતી !

    જાતાંજી/વનની/અનંત/સફરે/આતોવિ/સામોજ/રી,
    મ સ જ સ ત ત ગા

    દરેકને ત્રણ ત્રણના ભાગમાં વહેંચી જુઓ. મસજસતત ગા
    6ગણના 18 અને છેલ્લો એક ગુરુ= 19 થાય.
    તમારી પંક્તિઓમાં ગણો ખોટા પડે છે.મોટે ભાગે છંદનો રાગ આપણને આવડતો હોય અને અક્ષરોની સંખ્યા મળી જતી હોય એટલે આમ થઈ જાય.મારા જીવનની સૌથી પહેલી કવિતા શિખરિણીમાં હોવાનો વહેમ લઈને પિતાજી કને ગયો ત્યારે મને આમ જ કહીને સમજાવ્યો હતો !મારી પ્રથમ કવિતા હું 20મીનીટમાં સુધારીને સાચી કરાવી લાવ્યો હતો. આપણે તો ગઝલંનેય છંદમાં ઢાળવાની પ્રેક્ટીસ કરી શકીએ !! જુ.

  6. pravinash1 Says:

    પ્રેમ તો બસ પ્રેમ છે.
    સાહિત્ય રસિકો આપણી વચ્ચે શું
    સંબંધ છે? ગુજરાતી ભાષા પ્રત્યે
    પ્રેમ આપણને સાંકળી રાખવા
    પૂરતો છે, નથી લાગતું કે
    આ ઉમદા પ્રેમનું ઉદાહરણ છે.

  7. nilam doshi Says:

    સરસ રચના.છંદ વિષે લાગે છે..આમાથી જ શીખવા મળી જશે.શ્રી જુગલકિશોરભાઇ અને શ્રી પ્રવિણભાઇ એ સુંદર રીતે સમજાવેલ છે.ખાસ આભાર.

    બે ચાર વખત વાંચવું પડયું.શીખવા માટે.ઠોઠ નિશાળિયાએ મહેનત તો કરવી જ પડે ને?

  8. bansinaad Says:

    અઝીઝ ટંકારવી લખે છે, ‘જિંદગીના કોઈ વળાંક પર બે હૈયા મળે અને એ પળે જ એમની આંખોમાં મીઠો ઝબકારો થાય, એકબીજાં સાથે હૈયાની આપલે થાય, પછી?’

    વાંચો મુકેશ જોશી ના શબ્દોમાં

    પૂછ્યા વિના આંખમાં મારી રાત એણે ગુજારી,
    મેઘધનુષે જ્યારથી મારી કાળજા લગ કટારી

    જય

  9. Jugalkishor Says:

    તમે મધપૂડો છંછેડ્યો જ છે તો આમાં પણ એક વાત મૂકું:
    પ્રેમ પણ અન્યની માફક સાપેક્ષ છે. સાત્વિકતા,રાજસિકપણું કે તામસિકતા એ શાશ્વતરૂપે કોઈ એક સ્થળે ન હોય;માતાના ઉદરના સંબંધો,ભાવિના પ્રશ્નોની વિચારણા; રમતવીરની રાષ્ટ્રીયતા કે મૅડલની લાલસા; સ્ત્રી-પુરુષની જીવનને લંબાવવાની કુદરતદીધી પ્રેરણા અને વાસના વગેરે બધું એકબીજામાં સંમિલિત હોય છે-ગુંચવાયેલું,ગુંથાયેલું હોય છે. સત્વ-રજસ્-તમસ્ ને બધામાં ભેગાં જ રાખીને સમજવા પડે.ત્રણે ગુણોની ખૂબી એ છે કે તેઓ ત્રણેય સાથે જ રહે છે !! ગીતામાં એટલે તો એને સમાજાવવા માટે ત્રણ અધ્યાય લેવા પડ્યા છે !
    જો ક્યાંય પણ ત્રણમાંનો કોઈ એકલો કે વિખૂટો પડીને કોઈનામાં જોવા મળે તો સમજવું કે ગરબડ છે!!! ડાક્તરની ભાષામાં કહીએ તો રોગ છે.અપવાદ કરવો હોય તો સત્વગુણનો કરાય,કારણ કે એ કદાચ એકલો ક્યાંક શોભશે(મનોજગતમાં જ, હો!) જેમ એકલા તેલના મૉણથી પીંડ બંધાતો નથી એમ જ કોઈ એક ગુણથી પ્રેમને વિભાગી શકાય નહીં. માતામાંય રજોગુણ ભારોભાર છે જ પણ તમારા કહેવા મુજબ એમાં સત્વ વધુ હોય એમ કહીએ.

    તમે એક જ મુક્તકમાં આટલો મોટો વિષય સમાવીને મઝા કરાવી છે. આપણા બ્લોગ્સ ફક્ત ગઝલું જ દીધ્યે રાખે છે એવો કોઈનો આક્ષેપ હતો તેને તમારા આ પ્રયત્નથી સરસ જવાબ મળે છે. આવી કસરતો પણ કરાવતા રહેશો, બ્લોગ-માસ્ટર્જી ! અભિનંદન અને અભિવાદન !! જુ.

  10. Amit pisavadiya Says:

    સરસ મુક્તક દાદા…

    આભાર…

    પ્રેમ એટલે પ્રેમ…

  11. સુરેશ જાની Says:

    જુગલભાઇ,
    સાવ સાચી વાત. હું જ્યારે આ મુક્તક લખતો હતો ત્યારે એક બાજુ બરાબર લયમાં બેસે તેવા શબ્દ શોધવાની પળોજણ અને બીજી બાજુ આવા કેટલાય વિચારોનો ધોધ …. પછી વિચાર્યું કે ક્યાંક તો બ્રેક મારવી જ પડશે નહીં તો કવિતા નહીં પણ સંભાષણ થઇ જશે ! એટલે જે આવ્યું તે લખ્યું .
    જે માતા બાળકને નિર્વ્યાજ પ્રેમ કરે છે , તેજ માતા સાવકી પણ બની શકે છે ! અને જાતીય સંબંધમાં પણ પત્નીની ઇચ્છા ન હોય અને પતિમાં વાસના ઘુઘવતી હોય છતાં પણ તે સંયમ રાખે તેને સાત્વિકતા જ કહેવી પડે.
    આમ બધા ગુણો મિશ્રિત હોય છે , તે સાચી વાત.
    ઘણી વાર એમ પણ થાય કે આ પરમ તત્વ ખરેખર શક્તિમાન છે? તેને પણ આહ્ વાન આપે તેવું તત્વ પણ છે જ. તમારી અને હરીશભાઇની સાથે આવી ચર્ચા કરવા બેસવાનું બહુ જ મન થાય છે, પણ વો દિન કહાં કે મિયાંના પાંવમાં જુતી !
    તમારી ટીકા માટે ખૂબ આભાર .


Leave a Reply