કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for April 11th, 2007

બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 3

Posted by સુરેશ on April 11, 2007

ભાગ -1   :    ભાગ -2   

(એય …….  ભાયું ને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો બાપલા ! )

        સ્વાનુભવની બીજી વાત…….. આ બ્લોગીંગ માળું એક વ્યસન બની ગયું છે. તેના કારણે રોજના ઇમેલોની સંખ્યા પણ ઘણી વધી ગઇ છે. જે પ્રવૃત્તી નીજાનંદ માટે શરુ કરી હતી, તે થોડી બોજારુપ બનતી જતી હોય તેમ સતત લાગ્યા કરે છે. હવે તો નેટ પર વાંચવાનું પણ ઘણું બધું વધી ગયું છે. ઘણું જતું પણ કરવું પડે છે. માટે દરરોજ દરેક બ્લોગ પર એક ટપાલ મુકવાનો નીયમ નેવે મુક્યો છે. જ્યારે પ્રેરણા થાય, સમયની અનુકુળતા હોય અને બીજા કામોની અને જવાબદારીઓની ધોંસ ન હોય ત્યારે આ પ્રવૃત્તી કરવી; તેમ નક્કી કર્યું છે. વળી ટાઇમ સ્ટેમ્પની સગવડના કારણે આગોતરી પોસ્ટ કરી શકાય છે, તેનો લાભ લેવાનું પણ શરુ કર્યું છે. પણ હવે ક્યાંક બ્રેક મારવી પડશે એમ લાગે છે!

       સ્વાનુભવની ત્રીજી વાત  ……..એક સાવ નવો ત્રીભેટો પણ આકાર લઇ ચુક્યો છે. અને તે એ કે, આ પ્રવૃત્તીએ ‘પેશન’ માંથી ‘મીશન’ નું સ્વરુપ કંઇક અંશે ધારણ કર્યું છે. આપવાની નવી જન્મેલી વૃત્તી, જાતમાંથી બહાર આવી જવા મારા હોવાપણાને લલચાવી રહી છે. આનાં મીઠાં તેમજ માઠાં ફળ પણ ચાખવા મળતા જાય છે. જ્યારે ખુદની બહાર આવીએ ત્યારે આપણી ચીત્તવૃત્તી કોઇને અનુકુળ આવે, કોઇને ના પણ આવે. આમ સારા નરસા અનુભવો પણ થવા માંડ્યા છે. લોકોના સ્વભાવના વૈવીધ્યનો પણ ઠીક ઠીક અનુભવ થતો જાય છે ! હવે આ રસ્તે ચાલ્યા બાદ પાછા કદમ તો શેં મુકાય ? વળી આ ખુદમાંથી બહાર આવવાના સાવ નવા નક્કોર અનુભવની સાથે થોડી થોડી પ્રીતડી પણ બંધાતી જાય છે !

      સ્વાનુભવની ચોથી વાત  …… હવે વાતો મંડાણી છે - એક કેન્દ્રીય ગુજરાતી વેબ સાઇટ બનાવવાની. આની પહેલી પરીક્લ્પના મારા દીમાગમાં આજથી છ કે સાત મહીના પહેલાં પેદા થઇ હતી, જેમાં બધા ગુજરાતી બ્લોગો અને વેબ સાઇટોનું વીભાગવાર સમ્મેલન વાંચવા મળે. જ્યાં નવા બ્લોગરો માટે માર્ગદર્શન મળી રહે. રોજના સુવીચાર, શેર, વ્યક્તીવીશેશ, ટુચકા અને કોયડા પણ હોય. બાળકો અને ગૃહીણીઓ માટે અલગ વીભાગ હોય. વાચકો માટેનો ચર્ચામંચ હોય - જ્યાં અનેક વીશયો પર નીરંતર ચર્ચા અને વીચારવીમર્શ કરી શકાય. મેં તો માત્ર આમ વીચાર્યું જ હતું, પણ હ્યુસ્ટનના શ્રી. વીજય શાહે આ માટેનું બીડું ઝડપ્યું છે; અને ચાર પાંચ જવાંમર્દ જવાનીયાંઓએ આ માટે કમર પણ કસી છે. મને ચોક્કસ આશા છે કે, આ પ્રયત્નો એળે નહીં જ જાય, અને મોડા કે વહેલાં આવી વેબ સાઇટ બનશે જ. જ્યારે પણ તે આકાર લેશે ત્યારે, નેટ પર એક જ મંચ પર, આપણી વહાલી અને જાજરમાન ‘ મા ગુર્જરી’ સાતેય ખંડમાં ગૌરવથી મ્હાલશે.

          એક વર્શના આ બધા અનુભવોના આધારે અને આવી ગયેલ નેટ યુગની જરુરીયાતોને ધ્યાનમાં રાખીને નીચેની આચારસંહીતા મેં મારા પોતાના માટે નક્કી કરી છે :-

  1. સમયની અનુકુળતાએ કાંઇ ને કાંઇ પ્રદાન નેટ પર કરતા રહેવું , પણ તેનું વ્યસન પડે અને બીજી જવાબદારીઓ અદા કરવામાં અડચણ થાય તેનાથી દુર રહેવું.
  2. બની શકે તેટલા મારા રસના વીશયો પીરસતા બ્લોગ કે વેબ સાઇટની મુલાકાત લેવી, અને તેના સંચાલકોનો ઉત્સાહ વધે તેવી નાની મોટી કોમેન્ટ આપતા રહેવું.
  3. ઉગતા બ્લોગરોને બની શકે તેટલી મદદ કરતા રહેવું.
  4. નેટ પર બની શકે તેટલા વૈવીધ્યવાળી સામગ્રી પીરસાય તેવી પ્રક્રીયામાં સાથ આપવો.
  5. આ પ્રવૃત્તી દેશ પરદેશના ખુણે ખાંચરે રહેતા આમ આદમી સુધી કઇ રીતે પહોંચાડી શકાય, તેનો પરામર્શ કરતા રહેવું, અને મીત્રોને આ માટે સહકાર આપવા પ્રેરવા.
  6. એક નવા, મુક્ત મનના, કોઇ પણ પુર્વગ્રહ વીનાના અને વૈશ્વીક માનવ ચેતનાના ખયાલને ઉજાગર કરતા વીચાર-પ્રવાહને આકાર આપવાની પ્રક્રીયામાં સહભાગી થવું, અને તેમાં ઉદ્દીપન થાય તેવી પ્રવૃત્તીને પ્રાધાન્ય આપવું.

         મને ચોક્કસ વીશ્વાસ છે કે, માનવ ચેતનાનો આવી રહેલો નવો યુગ ‘નેટ યુગ’ જ હશે. આ શક્તીશાળી સાધનના પ્રતાપે મુળમાંથી જ માનવીય હોય તેવી વીચારસરણી ઉજાગર થશે, થશે ને થશે જ. કોઇ પણ ધર્મ, જાતી, રંગ, માન્યતા અને પુર્વગ્રહ રહીત એક નવી માનવજાતીના ઉત્કાંતીના આ નવા તબક્કામાં આપણે આપણો યત્ કીંચીત ફાળો આપીએ તો આપણે આપણો ધર્મ અદા કર્યો ગણાશે.
         મહામાનવના જન્મની પ્રસુતીપ્રક્રીયાનો આ એક ભાગ છે. ચાલો આપણે સૌ આ મંગળ ઘડીને વધાવીએ.

 -   સમ્પુર્ણ

—————————————————————————————-

ઉંઝા જોડણીમાં જ આ ત્રણ લેખ લખવાનો પ્રયોગ કેવો લાગ્યો?

         મારી ચીત્તવૃત્તી આ બાબતમાં સાવ મુક્ત અને પુર્વગ્રહ રહીત છે.  64 વર્શથી પડેલી આદતના કારણે લખવામાં થોડી ઘણી તકલીફ તો પડી છે જ. અરે! ઘણી જગાએ સામાન્ય જોડણીમાં લખાયેલો શબ્દ સભાન રીતે અને પ્રયત્ન પુર્વક નવી રીતે પણ લખવો પડ્યો છે ! પણ એકંદરે એક મહાન ઉદ્ વેગમાંથી મુક્તી મળી છે કે, ક્યાંક જોડણીની ભુલ રહી ગઇ હશે તો? કોઇકે અર્થનો અનર્થ થતો હતો, તેવી એક બે જગાની સાવ યોગ્ય ટીકા પણ કરી. એવું થોડું ઘણું તો રહેવાનું ! આમે ય પહેલાં ખોટી જોડણીને કારણે મુદ્રારાક્ષસો વીલસી જતા જ હતા ને ?!! અહીં વાક્યમાં સંદર્ભની સાપેક્ષતાના કારણે શબ્દનો સાચો અર્થ ગ્રહણ કરવામાં ખાસ કાંઇ અગવડ પડે તેમ મને લાગતું નથી.  અને જે સાધનની મદદથી આપણે સરળતાથી આપણા વીચારનો ભાવ સામી વ્યક્તીને સમજાવી શકીએ તે આપણી ભાશા, એમ હું માનું છું. અહીં અમેરીકામાં પાર્કમાં કોઇ મેક્સીકન કે વીયેટનામની વ્યક્તીને હું મારી વાત સમજાવી શકું તો મને અભીવ્યક્તી કરતાં આવડે છે તેમ ગણાય !
      અને જીવનમાં  આપણે કેટકેટલા ચઢાવ અને ઉતરાવમાંથી પસાર થઇ ચુક્યા છીએ ? ક્યાંય કશી ય બાંધછોડ ન જ કરી હોય, તેવા એક મહાનુભાવ કે એક સન્નારી આંગળી તો ઉંચી કરે ! તેમને સો સલામ મારી દઉં.  ( હવે માળું ! નેટ પર આંગળી શી રીતે ઉંચી કરાય? ! આવડતી હોય તો કરજો. ) અહીં થોડી મારી માન્યતાઓમાં બાંધછોડ કરી, પણ ખોટું લખવાનો પરીતાપ મારા જેવા અદના માનવીને માથેથી તો ટળ્યો …….. ! 
       પસં તો આપ હંધા ભાયું નં બેન્યુંને ચ્યમનું લાગ્યું સં,  તીં  કે ‘જો મારા બાપલીયા ! 
     ( આ સમજાય છે ને? -  આ પણ આપણી જ ભાશા છે અને મને તો બઉ મેંઠી લાગં સં.  આપણાં બધાં ગંદા ગોબરાં કામ કરતાં આપણાં વ્હાલા ભાઇબ્હેનોની આ ભાશા આપણે સમજી જ લઇએ છીએને?  તેમની વ્હાલથી ભરેલી આ ભાશા, કપટી અને મનના મેલાં વીદેશીઓની સુસંસ્કૃત ભાશા કરતાં મને તો બહુ જ પ્યારી લાગે છે.
      તમને ગમી? ) 

         સૌને વીનંતી કે આ ત્રણ લેખોમાં ઉંઝા જોડણીમાં જ લખવાના આ પ્રયોગની ચર્ચામાં મુક્ત મને જોડાય.
         મને કાંઇ માઠું નહીં લાગે.

Posted in સુરેશ | 9 Comments »

નથી !

Posted by સુરેશ on April 11, 2007

તું બધે છે જ, સદા છે જ, છતાં ક્યાંય નથી.
નેણના નૂર તને દેખવાને પાત્ર નથી.

જીવે શી રીત કોઇ જીવ રે! તુજ સાથ વિના,
ટકી શકે ન ધરા પર, જો તેનો શ્વાસ નથી.

ફુલોની પાંદડી કરતાં ય રે! તું કોમળ છે,
છતાં બળવાન કે, ખડકોની કો’ વિસાત નથી.

શબ્દ કો નીસરે કદીય નહીં તુજ મુખથી,
’તું’ વિણ હરફ નીકળે સ્વરો? વિસાત નથી.

લપકતી આગ જગે, એક ઇશારે તારા,
દીવો એકેય ન પ્રગટી શકે, તવ સાથ નથી.

કવિને દાદ મળે ફેરવે તું મુખ પાછું !
હે હવા! વાહ! ખરે તારી કો’ મિસાલ નથી.

( છેલ્લી કડીમાં ‘ હવા’ અને ‘વાહ’ નો શ્લેષ જુઓ ! )

તા. 9 - એપ્રીલ - 2007 ના રોજ ‘  સર્જન સહીયારું ‘  પર પહેલી વાર પ્રકાશિત…

Posted in સુરેશ | No Comments »