યાદને સલામ
Posted by સુરેશ on May 3, 2007
પ્રથમ કવીતા જ્યાં પ્રગટી, તે ચોરો બહુ યાદ આવે છે.
હુંફભરી તે બીરાદરીની, મધુર ક્ષણો યાદ આવે છે.
શનીવારી સાંજોની સંગત, રંગત બહુ યાદ આવે છે.
‘છ’ થી ‘આઠ’ ની દીલધડકનની મધુરી યાદો આવે છે.
નીજાનંદમાં સરજાતી, નીત નવી ગઝલ યાદ આવે છે.
અંતરથી ઉભરાતા ટહુકા, ‘વાહ’ના સૌ યાદ આવે છે.
નીર્વ્યાજ હેત, ને બાલસુલભ એ બીરાદરી યાદ આવે છે.
વીખરાતાં પણ મઘમઘતી, એ મહેંક હજુ યાદ આવે છે.
તરન્નુમથી લહેરાતા એ ‘કુમાર’* પણ યાદ આવે છે.
બુલંદીથી એ ગાજી ઉઠતા ‘ગુલામ’*ની યાદ આવે છે.
તાજગીથી છલકાતી તોફાની ‘શૈલી’* યાદ આવે છે.
મોહકતાથી પથરાતા, એ ‘પ્રફુલ દવે ’* યાદ આવે છે.
વત્સલતાથી ઉભરાતા, ‘બળદેવ દાદા ’* યાદ આવે છે.
અને અનામી, પણ જાણીતા સૌ ચહેરાઓ યાદ આવે છે.
——–
ક્યાં છે એ માતૃભાશાની, મધુર અને મોહક સરગમ?
ક્યાં આ, બરછટ , અગ્રેજીની કર્કશ આ સૌ પટપટ?
ક્યાં એ ધુળભરેલો, ભીંસતો, દેશી માનવ-મહેરામણ?
ને ક્યાં આ, ચમકીલા, પણ વેરાન ભુમીના અફાટ રણ?
——-
સલામ વતન! સલામ ઓ ચોરા!
સલામ હે! મારા કવી બંધુ!
સલામ હે! ગઝલોની બંદીશ!
સલામ હે! યાદોના સીંધુ!
ફેબ્રુઆરી – 2005
* એમ.જે. લાયબ્રેરી, અમદાવાદમાં દર શનીવારે ભરાતા સાહીત્ય-ચોરામાં નીયમીત ભાગ લેતા મીત્રો…
જીવનના અમુક પ્રસંગો સ્મરણપટમાં પથ્થરમાં લકીરની જેમ કોરાઇ જતા હોય છે. આ કવીતા એ પ્રકારના મારા એક જીવનપ્રસંગનું સુખદ સંભારણું છે.
હું પહેલી જ વાર ઉપરોક્ત સાહીત્યચોરામાં ગયો ત્યારે ત્યાં 20-22 ભાઇ બહેનો પોતાની કવીતાઓ વાંચવા ભેગા થયા હતા. આવી ત્રણેક સભાઓમાં મેં હાજરી આપી. જ્યારે મારો વારો આવે ત્યારે હું જાણીતા કોઇ કવીની, મને ગમતી રચના વાંચતો. પણ મને હંમેશ લઘુતા રહેતી કે આમાં મારું પ્રદાન શું? કો’ક ક્ષણે સવારના વહેલા ઉઠ્યો ત્યારે આ ભાવ પ્રદીપ્ત હતો. અને એ વખતે મારી થોડી વધારે જાણીતી કવીતા ‘ ચાર વર્શના ડોસાજી ’ આ ચોરા માટે લખાઇ ગઇ. ત્યાં વાંચી અને વખણાઇ. આ પહેલાં પણ મેં કવીતાઓ ક્યારેક લખી હતી, પણ આ કવીતા લખાયા અને જાહેરમાં વંચાયા બાદ મારો આત્મવીશ્વાસ વધ્યો અને હું વધુ કવીતાઓ લખવા પ્રેરાયો. આથી આ મારી ‘સીગ્નેચર કવીતા’ છે, એમ કહું તો તે યોગ્ય જ છે.
પાછો આવ્યો ત્યારે ચોરામીત્રો માટે ભાવની ભરતી ઉપડી, અને આ ‘ યાદને સલામ ‘ લખાઇ. હવે આ અભીવાદનને ચોરામાં શી રીતે વંચાવવું? કોઇ મીત્રના સરનામાં તો હતા જ નહીં, સીવાય કે, પ્રફુલ્લભાઇ દવે નું વીઝીટીંગ કાર્ડ. તેમની સાથે અંગત કોઇ જ પરીચય નહીં. હીમ્મત કરીને તેમને કાગળ લખ્યો, અને આ કવીતા ચોરામાં વાંચવાની તેમને વીનંતી કરી.
બે ત્રણ મહીના પછી પ્રફુલ્લભાઇનો પ્રેમથી નીતરતો પત્ર મળ્યો. મારી કવીતા તેમણે મારા વતી વાંચી હતી તેમ જણાવ્યું અને મને બહુ જ ગમેલી તેમની એક ગઝલ ‘ હું ‘ પણ તેમણે મને લખી મોકલી.
તે ક્ષણથી અમે પત્રમીત્રો બન્યા. આજે તેમની જીવનઝાંખી અમે પ્રસીધ્ધ કરી રહ્યા છીએ, ત્યારે આ ભાવની ભરતી ફરીથી ઉપડી છે. તેમનો પ્રસીધ્ધ થયેલો પહેલો કાવ્યસંગ્રહ ‘ પડઘાતું મૌન’ મારી સામે પડ્યો છે. તેમાંની થોડીક કવીતાઓ અમે સૌ સારસ્વત પરીચય ટોળીના મીત્રો આ જ ક્ષણે પ્રસીધ્ધ કરી રહ્યા છીએ.
અમારી નાની, ટુંકી, બહુ દુરીની પણ મધુરી મૈત્રીને આ પ્રયત્ન સમર્પીત છે.
May 3, 2007 at 1:27 am
[...] # તેમની યાદ અપાવતી મારી રચના [...]
May 3, 2007 at 7:29 am
તમારી મૈત્રીને સલામ !