નવસર્જન - સુરેશ જાની
Posted by સુરેશ on May 6, 2007
છંદ - સ્રવીણી
ગણ - ર ર ર ર
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
( રાગ – હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા)
_____________________________________________
ચાંદની લો ખીલી આજ આકાશમાં,
માનસે ઉઠતી લ્હેરખી ’કામ’ની.
વાયરો રેશમી સ્પર્શતો વ્હાલથી,
ઝંખના જાગતી પ્રીયની બાથની.
સ્પંદનો ફોરતાં રોમરોમે મહા,
મ્હાલતું દીલડું સાકીના સાથમાં.
પુશ્પધન્વા ગ્રહી બાણ સો ફેંકતો,
ચન્દ્ર તો ભાસતો દેવતા પ્રેમનો.
જાગતાં નર્તનો અંગ પ્રત્યંગમાં,
અંગથી અંગ ભીડી સુતાં પ્રેમીઓ.
નંદમાં મત્ત થૈ મ્હાલતો સાહ્યબો,
પ્રેયસી ઝીલતી સીકરો સામટી.
જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.
વાદળી કો’ સરી ચન્દ્રને આવરી,
થાક ઉતારવા ચાંદની યે સુતી.
પોંખવા આમ આ કો’ નવા જીવને,
નંદમાં નાચતો ‘તુ’ રહ્યો શામળા !
‘ સર્જન સહીયારું ‘ પર 5 - મે 2007 ના રોજ પ્રથમ વાર પ્રકાશીત.
માનવ જીવની ઉત્પત્તીનું આ કાવ્ય અચાનક જ સ્ફુર્યું - પ્રાક્રુતીક રીતે. અને ‘શામળો’ પણ સ્વાભાવીક રીતે જ આવી ગયો.
આપણે યૌન સંબંધોને આટલી સહજતાથી જોતાં શીખીએ તો?
Posted in સુરેશ | 7 Comments »