ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.
પ્રસંગો બધા નજર્યું સામે હાથતાળી રમે,
ને સામટા અરમાનોના જૌહરની યાદ.
મૌનની સજા ગુંગળાવે મુજ ચિત્તને,
ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ.
ભીંત પરના થાપા ચીતર્યા ને વીસ્તર્યા,
તીમીરના નીરમાં હશે ડુબ્યાનું યાદ.
મીણની જેમ પીગળતું આ પ્રતીબીંબ,
કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ.
ઝંખનાના દરીયામાં નીતરતો ‘હું’ ને,
મ્રુગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
હસ્તરેખાઓની મર્યાદા પુરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.
- સૌપ્રીય સોલંકી
ઓસ્ટ્રેલીયાના ક્વીન્સલેન્ડ રાજ્યના નોર્થ રોકહેમ્પ્ટન શહેરમાં રહેતા આ નવોદીત કવીની પહેલી રચના અહીં પ્રકાશીત કરતાં હું આનંદ અનુભવું છું.
ક્યાં એકમેકને સ્વપ્ને ય ન ઓળખતા અમે બન્ને ગુજરાતના વતની, ક્યાં અમેરીકાનું મારું ડલાસ અને ક્યાં ઓસ્ટ્રેલીયાનું નોર્થ રોકહેમ્પ્ટન .
અહોહો ….છ છ ખંડોમાં ફેલાયેલ વીશ્વ ગુર્જરીના ગૌરવની ગાથાનું ગાન ગાયાની યાદ….