શાને? – સુનીલ શાહ
Posted by સુરેશ on August 3, 2007
લગાગા\ લગાગા\ લગાગા\ લગાગા
સમયના ફણીથી* ડરે છે જ શાને?
દરદના મધપુડે ઝરે છે જ શાને?
પળો હોય ઉષ્માની જો જીંદગીમાં
વરાળો બનીને, ઠરે છે જ શાને?
ખયાલો સજાવી સદાયે હજારો
નશીલી પળોએ ધરે છે જ શાને?
શ્વસે છે સદાયે ‘ સ્વ’ ના તો ઈશારે
બીજાને સલામી ભરે છે જ શાને?
ક્ષણોની છબીમાં બની’તી જે કેદી
હવાઓ હવે તો ફરે છે જ શાને?
– સુનીલ શાહ
* (ફણી–શેષનાગ)
મુળ રચનાને શ્રી. જુગલકીશોર વ્યાસે મઠારી અને સજાવી આપી છે. તેમનો ખુબ ખુબ આભાર. હવે સુનીલભાઇ કબુલે છે કે, શાને માટે ગઝલનું બંધારણ સાચવવું જરુરી છે!
હું સુનીલભાઇની અહીં પ્રગટ થયેલી રચનાઓ જોઇ ગયો. તેમણે સાધેલી ઉત્તરોત્તર પ્રગતીથી ઘણો જ આનંદ થાય છે. બીજા સૌ નવોદીતો પણ આ ઉપરથી પ્રેરણા લેશે અને કાવ્યના પીંગળનો પુરો અભ્યાસ કરશે; તો તેમંને પોતાને ઘણો આનંદ થશે.
સૌને વીનંતી કે વીલુપ્ત થઇ રહેલા સંસ્કૃત છંદો પર પણ હાથ અજમાવી જુએ. આપણી એ મહામુલી મુડી આપણે વીસારવી ન જોઇએ. જુગલભાઇએ આ માટે તેમના બ્લોગ ‘ શાણી વાણીનો શબદ ’ પર બહુ જ મહેનત કરીને, આપણને ઘણું જ માર્ગદર્શન આપ્યું છે.
————————————————————–
એક નોંધ -
સંસ્કૃત પીંગળનો ‘ભુજંગી’ છંદ પણ આ જ બંધારણમાં છે.
ઉદાહરણ -
‘ય’ના ચાર આવર્તનોથી ભુજંગી.
પછી શું થયું રે ? પછી શું ગયું રે?
Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »