કલ્યાણજી વિ. મહેતા નો જન્મદિન - 1890
Archive for November 7th, 2007
મથું છું હવે - વીજેશ શુક્લ
Posted by સુરેશ on November 7, 2007
લગાગા લગાગા લગાગા લગા
—————————-
તમારી કસોટી કરું છું હવે,
જીવનને સલામી ભરું છું હવે.
ઘણાયે ઉકેલો મળે છે મને,
છતાં જાત સાથે લડું છું હવે.
લગાવી મહોરાં ફરું છું સદા,
નવાં નામથી તો મળું છું હવે.
વીતાવી દીધી છે, સરકતી પળો,
સમયની નજરથી બચું છું હવેં.
કદી તો ઉદાસી નડે છે મને,
સહારા બચા’વા મથું છું હવે.
- વીજેશ શુક્લ
વીજેશભાઈ ઘણા વખત પછી અહીં પાછા આવ્યા છે. તેમની મથામણ સફળ બની છે!
ઉકેલો મળવા છતાં જાત સાથે લડવાની તેમની વાત મને બહુ જ ગમી. ‘ संतोषमेव पुरुषस्य परं निधानम् ‘ ની સતત શીખ આપતાં આપણાં ધર્મશાસ્ત્રોનું સાચું અર્થઘટન તેમણે કર્યું છે. ઉકેલ મળે એટલે અટકી જવું એ તો માનવસ્વભાવ છે. તેનાથી ઉપરવટ થાય તો જ મહામાનવતા સર્જાય. સંતોશ કેવળ ફળનો જ હોય. પ્રયત્નોમાં તો સદાય અસંતોશ જ ઘટે - સદાની લડત, હમ્મેશ સુધારાને અવકાશ. આમ સતત લડતાં રહીએ, તો જ આપણે શ્રીકૃષ્ણની ગીતાને સાચી રીતે સમજ્યાં કહેવાઈએ. અને તો જ તેને આચરણમાં મુકી ગણાય. બાકી તો બધો વાણીવીલાસ જ.
નીત નવાં મહોરાં લગાવવાની વાત પણ આપણને બહુ ઉંડો વીચાર કરતાં કરી મુકે છે. સારાં, ખોટાં, રુપાળાં, કદરુપાં - પણ મહોરાં એટલે મહોરાં. આપણે કદી મહોરાંવીહીન બની શકીએ? ના, કદી નહીં. સ્થીતપ્રજ્ઞ અને વીતરાગને પણ મહોરું તો હોય છે જ! પણ આપણે આપણું મહોરું જરુર બદલી શકીએ. બદલતાં જ રહેવું જોઈએ. સદા પરીવર્તનશીલ રહેવું તેમાં જ બાળપણનું સાતત્ય છે. આપણે જે હોઈએ છીએ તેમાં સદા બદલાવની શક્યતા હોય છે. આપણો સ્વભાવ, આપણા પ્રતીભાવ, આપણા અભીગમો, આપણી માન્યતાઓ એ બધાંમાં બદલાવ શક્ય છે. આવી તૈયારીવાળા વીજેશભાઈ આ ગઝલ દ્વારા આપણને બહુ જ મોટો સંદેશ આપી જાય છે.
હવે આવતા, અને આવી સરસ રચનાઓ આપતા રહેશોને, વીજેશભાઈ?
Posted in ગઝલ, વીજેશ શુક્લ | 12 Comments »
આજનું ચાંદરણું - રતીલાલ ‘અનીલ’
Posted by સુરેશ on November 7, 2007
લાકડાનું ફર્નીચર પસંદ કરે તે માંકડ કહેવાય.
Posted in ચાંદરણા | 1 Comment »