લગાગા લગાગા લગાગા લગાગા
——————————————–
ઉદાસી ઘણી છે, છતાં હું હસું છું
તરાપો ભલે ના રહે, હું તરું છું.
સહારાય ખુટે ભલા આદમીના,
ઉપેક્ષા મળે પણ, ઘણું યે હળું છું.
પહેરા નડે છે, મને આ પથોમાં,
હદોને વટાવી બધાંને મળું છું.
મકામો ભલે ને ઘણાં દુર લાગે,
હતાશા વીના હું ડગો તો ભરું છું.
રચે છે જમાનો પ્રપંચો ઘણાયે,
ભરોસો ખુદાનો કરીને રહું છું.
- વીજેશ શુકલ
મને ગઝલના છંદ હજુ આવડ્યા નથી. પણ આ છંદ સંસ્કૃતનો ભુજંગી છંદ જ છે.
‘ય’ ના ચાર આવર્તનોથી ભુજંગી.
પછી શું? પછી શું? પછી શું? પછી શું?
ભુજંગી છંદમાં જગન્નાથ પંડીતનો એક બહુ જ જાણીતો શ્લોક -
कुसुम्भारुणम् चारु चैलम् दधाना ।
समस्तस्य विश्वस्य चेतः प्रधाना ।
न याचे गजालिम् न वाजिराजिम् ।
न वित्तेषू चित्तम् मदीयम् कदाचित् ।
इयम् सुस्तनी, मस्त, कन्धस्थकुम्भा।
लवंगी, कुरंगी, मदंगी करोतु ।
સમ્રાટ અકબરના વખતમાં થઈ ગયેલ આ પંડીત એક મુસ્લીમ રાજકન્યા ‘લવંગી’ ના મોહમાં પડી ગયા હતા. ત્યારે બાદશાહ પાસે તેના હાથની માંગણી, આ શ્લોક દ્વારા તેમણે કરી હતી, અને એમ કહેવાય છે કે બાદશાહે તેમના કવીત્વ પર વારી જઈને કુંવરી પરણાવેલી પણ ખરી. આ શ્લોકમાં વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસની ઝમક માણવા જેવી છે. આ કારણે પંડીતને સમાજે નાતબહાર કરેલા અને છેવટે તેમણે ગંગાનદીમાં જળસમાધી લીધી હતી.
તેમની પ્રસીદ્ધ રચના ‘ગંગાલહરી’ આવા પ્રાસાનુપ્રાસો અને ભવ્ય ઉપમાઓથી પ્રચુર છે.
