કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for May 1st, 2008

યશવંતી ગુજરાત - રમેશ પટેલ(આકાશદીપ)

Posted by સુરેશ on May 1, 2008

ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ

જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતીના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુશ્પ.
વીશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપુત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મળ્યો અવતાર.

રમ્ય ડુંગરા સરીતા મલકે, ધરતી ઘણી રસાળ,
ગરબે ઝગમગે જીવન દીપ ને, જગત જનનીનો સાથ.
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતી સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ.

રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર,
મૈયા નર્મદા પુનીતદર્શીની, ભરે અન્નભંડાર.
માત મહીસાગર મહીમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત

પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે જ્ઞાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલીયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર, ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ

ભારતવર્શે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરીયાદીલ વીશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલુણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગીરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશીશ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ (આકાશદીપ)

આજે ગુજરાત રાજ્યના સ્થાપનાદીને રમેશભાઈની આ ખમીરવંતી રચના પ્રગટ કરતાં અત્યંત આનંદ થાય છે.

Posted in 1, ગીત, રમેશ પટેલ | 9 Comments »