કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'સુરેશ' Category


અતીતની વ્યથા - સુરેશ જાની

Posted by સુરેશ on January 7, 2008

હર ક્ષણે નીત નવા દ્રશ્ય સરજે ક્ષીતીજ,
હર કદમ અવનવા રુપ ધરતી જમીન
રંગ બદલે પળે પળ આ ઉંચું ગગન
સ્થાન બદલે ઘડી, હર ઘડી સર્વ ચર
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

એક સરીતા સમા ખ્યાલો, ભાવો વહે.
ભાત ઘટનાની બદલાય છે હર ક્ષણે
હાલ ને ભુત, ભાવીમાં વહે છે સમય
હું તો બાળક, યુવા, વૃદ્ધ ને શબ બનું
કીંતુ આ સર્વની વચ્ચે અવીચળ છું હું.

હર જીવીત માને છે, તે જ છે માત્ર હું
હાય! આ સૌને શાને ય સર્જ્યા છે મેં?
બનીને રહ્યો હોત જો માત્ર  હું 
હાય! દૂનીયા ય કેવી સરળ હોત તો..
રે! અવીચળ છું, પણ સાવ ખંડીત છું હું.

- સુરેશ જાની

        આજથી સાતેક  વર્શ પહેલાં આર્લીંગ્ટન લેક પર એક અંગ્રેજી કવીતા લખી હતી; અને તેનું ભાશાંતર છ એક મહીના બાદ કર્યું હતું, તે આજે ‘હું ઉપર લેખ લખતાં યાદ આવ્યું અને અહીં પ્રકાશીત કર્યું છે. 

Posted in ગીત, સુરેશ | 9 Comments »

કોને ખબર?- સુરેશ જાની

Posted by સુરેશ on August 20, 2007

મીત્ર આવા ખોખલા કોને ખબર?
પ્રીત આવી પાંગળી કોને ખબર?

રુપને વળગી રહ્યા ને સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ તણા ભાવો ન જાણ્યા, શબ્દને પકડી રહ્યા,
ફેરવી ચહેરો છુપ્યા, કોને ખબર?

કાળના આ ગર્ભમાં ભંડારીને મારા ખુદા!
સાચવ્યું બસ આટલું? કોને ખબર?

માંહ્યલો મુંઝાય છે કે, આમ બનતું શેં ભલા?
સાચને યે આંચ છે, કોને ખબર?

- સુરેશ જાની

———————————————–

પરમ પ્રીય મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે બહુ પ્રેમથી આ ગઝલને સુધારવા સુચનો આપ્યાં હતાં. તે ધ્યાનમાં રાખી આ ગઝલ નીચે મુજબ  મઠારી છે :-

મીત્રતા સૌ ખોખલી, કોને ખબર?
પ્રીત આવી પાંગળી, કોને ખબર?

રુપ રાખી, સત્વને છોડી દીધું,
માન્યતા સૌ સાંકડી, કોને ખબર?

દીલ ન જાણ્યું, શબ્દને  વળગી રહ્યા, 
ફેરવી ચહેરો છુપી, કોને ખબર?

કાળના ગર્ભે ભર્યું છે કેટલું,
સાચવી બસ માટલી? કોને ખબર?

માંહ્યલો મુંઝાય, આવું કાં બને ?
સાચને આંચ આવતી? કોને ખબર?

Posted in ગઝલ, સુરેશ | 9 Comments »

અંજલી

Posted by સુરેશ on July 19, 2007

છંદ    -        સ્રગ્ધરા
ગણ    -       મ ર ભ ન ય ય ય
માત્રા -      ગાગાગાગા લગાગા, લલલલલગા, ગાલગા ગાલગા ગા
રાગ    –      જીવો ને જીવવા દો, મરણ લગણ આ, જીંદગી ચાર દી’ની
——————————–
જાણે ના કોઇ જેને, નયનસભર હા! ભીંજતી આંખ સૌની,
છેવાડે કો’ ઉભેલો, અણનમ ડગથી, ડારતો હાક પાડી.
શત્રુસેના ભગાવી, ચકમક ઝરતી, બંદુકોના ભડાકે,
છેલ્લા શ્વાસે લડેલા, નમન તુજને, હે! પ્રહરી દેશપ્રેમી!

____________________________________________________________

સર્જન સહીયારું  ‘ પર  તા. 18 જુલાઇ - 2007 ના રોજ પહેલી વખત પ્રકાશીત

પ્રતીભાવ આપવા ઇમેલ કરો -

sbjani2006@gmail.com

Posted in સંસ્કૃત છંદ, સુરેશ | No Comments »

એક બીજો પ્રયોગ !

Posted by સુરેશ on June 12, 2007

પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!

અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો…..  જુઓ આ ગઇકાલ રાતનું સર્જન  -

ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!

હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…
   

Posted in ભાશા, સુરેશ | 8 Comments »

આદીત્ય? - સુરેશ જાની

Posted by સુરેશ on June 11, 2007

છંદ -  શાર્દુલ વીક્રીડીત
ગણ -  મ સ જ સ ત ત ગા
રાગ - ઉગે છે સુરખી ભરી રવી મૃદુ, હેમંતનો પુર્વમાં.

————————————————————————- 

ચોમાસે ઘનઘોર વાદળ થકી, છલકાવીયાં સૌ સરો.
જેમાંથી જળવીજળી નીપજતી, સસ્તી ઘણીયે વળી.

દ્રુમો આ પ્રગટ્યા મહાન વનમાં પાણી અને તેજથી.
યુગોના યુગ હા! ગયા સરકતા, તેના બન્યા કોલસા.

લીલુડી ધરતી રસાળ લણતી ધાન્યો તણા પાકને.
તૃણોના ઢગલા અગાધ બનતા, ઘી દુધના સર્જકો.

લાખો જાનવરો દબાઇ ખડકો વચ્ચે બન્યા ઇંધણો.
ચાલે ચક્ર બધાય વાહન અને ઉદ્યોગના તે થકી.

ઘુ ઘુ સાગર ઘુઘવે સતત ને ગર્જે ઘણા દર્પથી.
હોંકારા ભણતો સમીર ચલવે ચક્કી બધી તાનથી.

શક્તી સુરજની લઇ મલપતાં કેવાં ઘણાં સાધનો!
હીસાબો ચપટી મહીં કરી દીયે, બુધ્ધી ભર્યા યંત્ર સૌ.

ક્યાં સુધી ટકશે બધાં ય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં,

આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજદેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે.

- સુરેશ જાની

————————————————————-

           સુર્યની સપાટી અને ગર્ભમાં, અબજો વર્ષોથી, સતત ચાલુ રહેતા પ્રચંડ વીસ્ફોટો જ પૃથ્વી પરની બધી જ શક્તીના, સજીવોના, જીવનના પાયામાં રહેલા છે.
           આ કવીતાને ‘આદીત્ય ?’ એ નામ આપ્યું છે, કારણકે તે નામના ‘ટોકોમેક’ પર ભારતમાં સંશોધન ચાલી રહ્યું છે – વીશ્વના ઘણા દેશોમાં પણ.  થર્મોન્યુક્લીયર શક્તીનો આ અખુટ સ્રોત જ માનવજાતના અસ્તીત્વ માટેનો છેવટનો વીકલ્પ છે. એ પ્રક્રીયા પૃથ્વી ઉપર અત્યંત નાના પાયા પર, પરમાણુની ય અંદર, નીયંત્રીત રીતે સર્જાવી શકાય તે માટેની આ આશાભરી પ્રાર્થના છે.

તા. 10, જુન - 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત

Posted in સંસ્કૃત છંદ, સુરેશ | 12 Comments »

ગુજરાતી લીપીમાં ધ્વની અભ્યાસ

Posted by સુરેશ on June 10, 2007

મેળાની વેળા જે જે જીતી હતી તે તે મેહુના માં વીચારો કમના પા હેલાં બીંદુની જે ચમતા તા. ‘શું શોના  દોડીને તેનેકાશે કે, મોંઢું ઢાવીને ચાતી પકશે?’

————————————————–

       ઉપરના એક સાવ નાના વાક્યનો આપણે અભ્યાસ કરીએ. આ અભ્યાસમાં માત્ર  ‘અ’,  ’એ’ અને ‘ઓ’ ની બારાખડી ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલું છે. જે જે અક્ષરો થોડી મોટી માત્રામાં બોલાય છે તેમને અહીં લાલ દર્શાવ્યા છે. જે જે અક્ષરો થોડી નાની માત્રામાં બોલાય છે તે વાદળી અક્ષરે દર્શાવ્યા છે.

          બહુ જ સરળતાથી આપણે અહીં જોઇ શકીએ છીએ કે, જેમ બોલીએ છીએ તેમ આપણે લખતા હોતા નથી.  અને આ બધાને ચુસ્તીથી જુદા તારવવા લીપી સર્જીએ તો તે કેટલી ક્લીશ્ટ થઇ જાય. આપણને આમ જ વાંચવા ટેવ પડેલી છે, માટે આપણને તે સહેજ પણ કઠતું નથી. હવે આ જ વાક્ય સામાન્ય રીતે લખેલું વાંચો -

—————————————————–

        મેળાપની વેળા જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ મેહુલના મનમાં વીચારો કમળના પાન પર રહેલાં જળબીંદુઓની જેમ ચમકતા હતા. ‘શું શોભના  દોડીને તેને આવકારશે કે, મોંઢું ચઢાવીને ચાલતી પકડશે?’

Posted in ભાશા, સુરેશ | 1 Comment »

એ ય દીકરી - સુરેશ જાની

Posted by સુરેશ on June 4, 2007

નહીં દઉં તને મારી ઝાંસી ઓ ગોરા!
ચડી અશ્વ લક્ષ્મી લડી એ ય દીકરી.

બધીર, બાળપણથી, અને મુક અંધ,
હેલન વીદેશી, વીદુશી એ દીકરી.

હતી ગારગી એક વેદાંત જ્ઞાની,
સભાઓ ગજવતી, વળી એ ય દીકરી.

કરુણાની મુર્તી, ઘવાયાની શાતા,
ફ્લોરેન્સ બુલબુલ, અહો એ ય દીકરી.

ત્યજ્યું કેવા દુખથી એ મહીયર મધ્રુરું !
શ્વસુરગૃહ સડી જીંદગી, એ ય દીકરી.

કળી કુમળી, પીંખી, મસળી હવસમાં
સરે આમ કોઠે, અરેરે! એ દીકરી.

ભણેલી છતાંયે અભણ શાણપણમાં,
જલાવ્યું સ્વ-ઘરને અરે! એ ય દીકરી.

કરે કુથલી, કેવી સખીઓની સંગે,
અદેખાઇમાં જે જલી એ ય દીકરી.

બની માત જેણે જીવનને દીપાવ્યું,
ગુણોથી ભરેલી હતી એ ય દીકરી.

3 - જુન, 2007ના રોજ ‘સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત

Posted in ગીત, સુરેશ | 2 Comments »

ધરા - સુરેશ અને રુચા જાની !

Posted by સુરેશ on May 27, 2007

શાર્દુલવીક્રીડીત
ગણ - મ સ જ સ ત ત ગા
રાગ - ઉગે છે સુરખી ભરી રવી મ્રુદુ , હેમંતનો પુર્વમાં.
——————————————————————
પોશ્યાં તેં તરુ, જીવ, જંતુ, ખગ ને પાણીતણાં જીવ સૌ,
હીરા, માણીક, પોખરાજ જનમ્યા તારા જ મા, ગર્ભમાં.
કારુણ્યે નીજ અંકમાં ઝીલી લીધી તેં રે! દુખી જાનકી,
ગાઉં  હું ગુણગાન કેવી રીતથી, તારાં ધરા માવડી.
——————————————————————

હું આજે સવારે આવું કાંઇક લખવા વીચારમગ્ન થઇ બેઠો હતો ત્યાં મારી દીકરીએ મને પુછ્યું - ‘પપ્પા! કેમ કંઇ ચીંતામાં છો?’
મેં મારી વ્યથા કે પ્રસવવેદના જણાવી !
પછી તે મારી મદદે આવી અને આ રચના અમારા સંયુક્ત પ્રયત્નોથી સર્જાઇ ગઇ!!! અને વળી મારા ગુરુજી શ્રી. જુગલકીશોર વ્યાસની  સમયસરની ટીપ્પણીથી થોડી વધારે વ્યવસ્થીત પણ બની. આભાર ગુરુજી !

પ્રથમ વાર  26, મે, 2007 ના રોજ  ‘ સર્જન સહીયારું’ પર પ્રકાશીત

Posted in ઋચા, શ્લોક, સુરેશ | 1 Comment »

મળે ન મળે - સુરેશ જાની

Posted by સુરેશ on May 19, 2007

ઘડી છે હાથમાં તારા, ફરી મળે ન મળે.
જગત-વમળ મહીં, સાચી ધરી મળે ન મળે.

રમે રમતો ભુંડી, જહાંને જેર કરવાને.
શીશુના ખેલ સુગંધો ભરી મળે ન મળે.

મળ્યા નસીબમાં સંબંધ, તેને સાચવજે,
ત્યજીશ તેમને, ધારી પરી મળે ન મળે.

કદી ભુતકાળમાં પાછી નજર કરીશ નહીં.
વીતી જે પળ ગઇ જરી સરી, મળે ન મળે.

કલ્પના ત્યાગ, સપનાં છોડ, આંખ ખોલી દે.
નજર સમક્ષની આ તક ખરી મળે ન મળે.

ઘણું જીવ્યો ‘ સુજાણ ’ જીંદગીને વાગોળી.
જીવનના રણ મહીં તારો હરી મળે ન મળે.

- સુરેશ જાની 

- 14 મે – 2007

‘ સર્જન સહીયારું ‘ પર 18 એપ્રીલ -2007 ના રોજ પહેલી વાર પ્રકાશીત ….

Posted in ગઝલ, સુરેશ | 3 Comments »

નવસર્જન - સુરેશ જાની

Posted by સુરેશ on May 6, 2007

છંદ -  સ્રવીણી
ગણ - ર ર ર ર
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
( રાગ – હું કરું હું કરું, એ જ અજ્ઞાનતા)
_____________________________________________
ચાંદની લો ખીલી આજ આકાશમાં,
માનસે ઉઠતી લ્હેરખી ’કામ’ની.

વાયરો રેશમી સ્પર્શતો વ્હાલથી,
ઝંખના જાગતી પ્રીયની બાથની.

સ્પંદનો ફોરતાં રોમરોમે મહા,
મ્હાલતું દીલડું સાકીના સાથમાં.

પુશ્પધન્વા ગ્રહી બાણ સો ફેંકતો,
ચન્દ્ર તો ભાસતો દેવતા પ્રેમનો.

જાગતાં નર્તનો અંગ પ્રત્યંગમાં,
અંગથી અંગ ભીડી સુતાં પ્રેમીઓ.

નંદમાં મત્ત થૈ મ્હાલતો સાહ્યબો,
પ્રેયસી ઝીલતી સીકરો સામટી.

જીવના બે અણુ ચીપક્યા વ્હાલમાં,
એક થૈ પાંગર્યો બાળ અંકુર કો’.

વાદળી કો’ સરી ચન્દ્રને આવરી,
થાક ઉતારવા ચાંદની યે સુતી.

પોંખવા આમ આ કો’ નવા જીવને,
નંદમાં નાચતો ‘તુ’ રહ્યો શામળા !

સર્જન સહીયારું ‘ પર 5 - મે 2007 ના રોજ પ્રથમ વાર પ્રકાશીત.

માનવ જીવની ઉત્પત્તીનું આ કાવ્ય અચાનક જ સ્ફુર્યું - પ્રાક્રુતીક રીતે. અને ‘શામળો’ પણ સ્વાભાવીક રીતે જ આવી ગયો.
આપણે યૌન સંબંધોને આટલી સહજતાથી જોતાં શીખીએ તો? 

Posted in સુરેશ | 7 Comments »