Posted by સુરેશ on December 17, 2007
પામ્યો સ્થાન તુજ હ્રદયે જેવો, પછી હું ગયો નથી,
તારા મનથી ઉતરીને માનજે, કદી હું રહ્યો નથી.
પામવા તને જ મુજ મહીં, બહાર હું ગયો નથી,
તારા તલસાટ વગરની એક્કેય ક્ષણ હું રહ્યો નથી.
શોધવા ચંદ્ર કે સુર્યને વળી કદી હું ગયો નથી,
તો એ તેઓની કૃપા વગર કદીય હું રહ્યો નથી.
સ્થળ પર જ સ્થીર થવા કાજે બીજે હું ગયો નથી,
પ્રેમ વર્ષાના અંગીમ એ જળ વગર હું રહ્યો નથી.
જાણવા તારી આ અનોખી લીલા કદી હું ગયો નથી,
સહજ ભાવે સૌ તે લીલા માણ્યા વગર હું રહ્યો નથી.
ચંચળ મનને સ્થીર કરવા બીજે હું ગયો નથી,
તુજમાં સ્થીર થયા પછી હવે હુંમાં હું રહ્યો નથી.
(૧૬–૦૧–૧૯૮૭)
- અરુણ દેસાઈ
Posted in અરુણ દેસાઈ, ગઝલ | 2 Comments »
Posted by સુરેશ on December 14, 2007
યાદ છે એ પહેલી નજરની,
જયારે તે પાંપણો ઢળી ગઈ.
ઘણીયે મળી એ નજરો અને
નજર આગળથી જ સરી ગઈ.
કહી ગઈ ઘણીયે વાતો
જે યાદો બનીને જ રહી ગઈ.
રહી ગઈ સૌ મનની મુરાદો
મનની મનમાં જ રહી ગઈ.
લખવી હતી બધીયે વાતો,
ને ખડીયેથી શાહી જ ઢળી ગઈ.
બંધ આંખોની તે મુક કહાની
સૌ બંધ ઘડામાં જ રહી ગઈ.
ઉમ્રભર કરી પ્રતીક્ષા અને
હવે તે ઉંમર પણ વહી ગઈ.
સમજ જે હવે પાકી થઈ તે
બધી યાદોમાંથી જ થઈ ગઈ.
સ્વીકારજે છેલ્લું હવે આ આલીંગન
અર્પું જે મુજ અસ્તીત્વ હોમી દઈ.
(સુરતથી વડોદરા ટ્રેન સફરમાં–૨૮–૦૯–૧૯૮૬)
- અરુણ દેસાઈ
સુરતના એક નીવૃત્ત ઈજનેર શ્રી અરુણ દેસાઈ હાલ ૮૪ વર્ષના છે. તેમની અંગત ડાયરીમાં ૨૨૩ જેટલાં કાવ્યો જોવા મળ્યા. જુદા જુદા અંગત પ્રસંગોએ, પ્રવાસ દરમ્યાન ટ્રેન, બસ કે રીક્ષામાં બેસીને ઝીણાંઝીણાં અવલોકનો પરથી લખાયેલા આ કાવ્યોમાં છંદ ક્યાંય નથી, બસ છે અનુભવો અને લાગણીઓનો નીચોડ. ભાવપુર્વક લખાયેલા કાવ્યો તેમણે કશે પ્રગટ કરવાની તમન્ના રાખી નથી. છતાં મીત્ર શ્રી કાર્તીક દેસાઈના સૌજન્યથી મને ગમ્યાં તે કાવ્યોને મોકલું છું.
- સુનીલ શાહ
Posted in અરુણ દેસાઈ, ગઝલ | 3 Comments »