તો ચાલશે? - દીપક પરમાર, Dipak Parmar
Posted by સુરેશ on April 26, 2007
આ દોડધામમાં, આ ધક્કામુક્કીમાં,
એકાદ ક્ષણ થાક ખાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
આ રાડારાડમાં, આ બુમબરાડામાં,
એકાદ મધુર પંક્તી ગાઈને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
આ સંજોગો સાથેના તાલમેલમાં,
એકાદ તાલે ઝુમીને,
જો હું તને યાદ કરી લઉં,તો ચાલશે?
આ ફૂલો સમી કોમળ યાદોમાં,
એકાદ પાંખડી તોડીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
આ ભરઉંઘના સપનાઓમાં,
એકાદ પડખું ફરીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
આ હરદમ ધબકતા દીલમાં,
એકાદ ધબકારો ચુકીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
આ જીવનના અસીમ અંધારામાં,
એકાદ “દીપ” પ્રગટાવીને,
જો હું તને યાદ કરી લઉં, તો ચાલશે?
દીપક પરમાર “દીપ”
દીપકની કવીતાઓ અહીં પ્રગટ કરતાં મને અત્યંત આનંદ થાય છે.
ભાઇ દીપક ! ચાલશે નહીં દોડશે! તારા જેવા તરવરીયા, નવયુવાનો પાસેથી અમે ઘૈડીયાઓ આ આશા રાખીને તો બેઠા છીએ. પણ આ ‘તું’ ને માત્ર તારા પ્રણય-પાત્ર પુરતું જ મર્યાદીત ન રાખીશ. જે કણકણમાં છુપાયેલો છે, જેના આધારે જ સજીવ અને નીર્જીવ સૌનું અસ્તીત્વ છે તે, આપણો પ્રીય સખા, પરમ-તત્વ જ આ ‘તું ‘ હો, એવી અભ્યર્થના.
ગુજરાતી ભાશાનું ભાવી તારા જેવાના હાથમાં છે. ‘મા ગુર્જરી’ ની આનાથી વધારે સારી સેવા શું હોઇ શકે?
——————————————————————————————-
કોઇ પણ નવોદીત કવી અહીં પોતાની કવીતા પ્રગટ કરવા મને મોકલી શકે છે.
My email address - sbjani2006@gmail.com
માત્ર નીચેની બાબતોનું ધ્યાન રાખશો : -
- કવીતામાં કોઇ વ્યક્તીનું સ્વમાન ઘવાય તેવી અઘટીત ટીકા ન હોવી જોઇએ.
- મારી દ્રશ્ટીએ જો લખાણ અરુચીકર હશે તો તે હું પ્રકાશીત નહીં કરું.
- જોડણીની ભુલો સુધારવાનો મારો હક્ક રહેશે.
- અહીં ઉંઝા જોડણી જ વાપરવામાં આવે છે. ( માત્ર દીર્ઘ ઈ અને હ્રસ્વ ઉ ). આ ઉપરાંત એક જ ‘શ’ વાપરવામાં આવશે.
- રચનાઓ પર કોઇ ટીકા થાય તો તે માટેની જવાબદારી કવીની રહેશે.
Posted in દીપક પરમાર | 7 Comments »