Posted by સુરેશ on November 16, 2007
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
————————————-
વાદળો આજ તો આભની ઓતરે,
મોર તો ગ્હેકતો ગામને ચોતરે.
કુંપળો ફુટી છે, બાગમાં છોડવે,
ઢેલને સાદ છે, મોરનો ટોડલે.
છોરી તો ફુલના હાર જો પોરવે,
પ્રેમની યાદમાં ઘાવ તો ખોતરે.
ઝાડવાં ઝુમતાં ગામને ગોંદરે.
વાછડાં ભાંભરે, સીમના ખોરડે.
ભુમી પર જો પડે યાદની ઠોકરે
લોક વાતું કરે, ગામને ચોતરે.
- વીજેશ શુક્લ
વીજેશને છંદબદ્ધતા સારી કોઠે પડી ગઈ છે, તે બહુ જ આનંદની વાત છે. કાવ્યસર્જનમાં પ્રેરણા અને કલ્પના જેટલું જ માહાત્મ્ય પરીશ્રમનું છે; તે નવોદીતો હમ્મેશ યાદ રાખે. સારી રચના કરતાં થવું હોય તો, છંદમાં જ લખવાનો આગ્રહ રાખવો જોઈએ. નહીં તો મુક્ત સ્વૈરવીહાર માટે ગદ્યલેખન એ વધુ સારો અને સહેલો વીકલ્પ છે - મારી જેમ!
આ રચનાને ગઝલ કહેવાય કે નહીં તે ચર્ચાનો વીશય છે. પણ, તેની ગેયતા વૈશ્વીક છે.
આપણા સંસ્કૃત છંદોમાં ‘ સ્રવીણી ‘ છંદની પણ આ જ માત્રાઓ હોય છે. [ ર ર ર ર ]
મારું એક કવીતડું - ‘ સ્રવીણી ‘ અને શુદ્ધ શૃંગારરસમાં વાંચવા અહીં ક્લીક કરો -
Posted in ગીત, વીજેશ શુક્લ | 3 Comments »
Posted by સુરેશ on November 13, 2007
લગાગા લગાગા લગાગા લગાગા
——————————————–
ઉદાસી ઘણી છે, છતાં હું હસું છું
તરાપો ભલે ના રહે, હું તરું છું.
સહારાય ખુટે ભલા આદમીના,
ઉપેક્ષા મળે પણ, ઘણું યે હળું છું.
પહેરા નડે છે, મને આ પથોમાં,
હદોને વટાવી બધાંને મળું છું.
મકામો ભલે ને ઘણાં દુર લાગે,
હતાશા વીના હું ડગો તો ભરું છું.
રચે છે જમાનો પ્રપંચો ઘણાયે,
ભરોસો ખુદાનો કરીને રહું છું.
- વીજેશ શુકલ
મને ગઝલના છંદ હજુ આવડ્યા નથી. પણ આ છંદ સંસ્કૃતનો ભુજંગી છંદ જ છે.
‘ય’ ના ચાર આવર્તનોથી ભુજંગી.
પછી શું? પછી શું? પછી શું? પછી શું?
ભુજંગી છંદમાં જગન્નાથ પંડીતનો એક બહુ જ જાણીતો શ્લોક -
कुसुम्भारुणम् चारु चैलम् दधाना ।
समस्तस्य विश्वस्य चेतः प्रधाना ।
न याचे गजालिम् न वाजिराजिम् ।
न वित्तेषू चित्तम् मदीयम् कदाचित् ।
इयम् सुस्तनी, मस्त, कन्धस्थकुम्भा।
लवंगी, कुरंगी, मदंगी करोतु ।
સમ્રાટ અકબરના વખતમાં થઈ ગયેલ આ પંડીત એક મુસ્લીમ રાજકન્યા ‘લવંગી’ ના મોહમાં પડી ગયા હતા. ત્યારે બાદશાહ પાસે તેના હાથની માંગણી, આ શ્લોક દ્વારા તેમણે કરી હતી, અને એમ કહેવાય છે કે બાદશાહે તેમના કવીત્વ પર વારી જઈને કુંવરી પરણાવેલી પણ ખરી. આ શ્લોકમાં વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસની ઝમક માણવા જેવી છે. આ કારણે પંડીતને સમાજે નાતબહાર કરેલા અને છેવટે તેમણે ગંગાનદીમાં જળસમાધી લીધી હતી.
તેમની પ્રસીદ્ધ રચના ‘ગંગાલહરી’ આવા પ્રાસાનુપ્રાસો અને ભવ્ય ઉપમાઓથી પ્રચુર છે.
Posted in ગઝલ, વીજેશ શુક્લ | 6 Comments »
Posted by સુરેશ on November 7, 2007
લગાગા લગાગા લગાગા લગા
—————————-
તમારી કસોટી કરું છું હવે,
જીવનને સલામી ભરું છું હવે.
ઘણાયે ઉકેલો મળે છે મને,
છતાં જાત સાથે લડું છું હવે.
લગાવી મહોરાં ફરું છું સદા,
નવાં નામથી તો મળું છું હવે.
વીતાવી દીધી છે, સરકતી પળો,
સમયની નજરથી બચું છું હવેં.
કદી તો ઉદાસી નડે છે મને,
સહારા બચા’વા મથું છું હવે.
- વીજેશ શુક્લ
વીજેશભાઈ ઘણા વખત પછી અહીં પાછા આવ્યા છે. તેમની મથામણ સફળ બની છે!
ઉકેલો મળવા છતાં જાત સાથે લડવાની તેમની વાત મને બહુ જ ગમી. ‘ संतोषमेव पुरुषस्य परं निधानम् ‘ ની સતત શીખ આપતાં આપણાં ધર્મશાસ્ત્રોનું સાચું અર્થઘટન તેમણે કર્યું છે. ઉકેલ મળે એટલે અટકી જવું એ તો માનવસ્વભાવ છે. તેનાથી ઉપરવટ થાય તો જ મહામાનવતા સર્જાય. સંતોશ કેવળ ફળનો જ હોય. પ્રયત્નોમાં તો સદાય અસંતોશ જ ઘટે - સદાની લડત, હમ્મેશ સુધારાને અવકાશ. આમ સતત લડતાં રહીએ, તો જ આપણે શ્રીકૃષ્ણની ગીતાને સાચી રીતે સમજ્યાં કહેવાઈએ. અને તો જ તેને આચરણમાં મુકી ગણાય. બાકી તો બધો વાણીવીલાસ જ.
નીત નવાં મહોરાં લગાવવાની વાત પણ આપણને બહુ ઉંડો વીચાર કરતાં કરી મુકે છે. સારાં, ખોટાં, રુપાળાં, કદરુપાં - પણ મહોરાં એટલે મહોરાં. આપણે કદી મહોરાંવીહીન બની શકીએ? ના, કદી નહીં. સ્થીતપ્રજ્ઞ અને વીતરાગને પણ મહોરું તો હોય છે જ! પણ આપણે આપણું મહોરું જરુર બદલી શકીએ. બદલતાં જ રહેવું જોઈએ. સદા પરીવર્તનશીલ રહેવું તેમાં જ બાળપણનું સાતત્ય છે. આપણે જે હોઈએ છીએ તેમાં સદા બદલાવની શક્યતા હોય છે. આપણો સ્વભાવ, આપણા પ્રતીભાવ, આપણા અભીગમો, આપણી માન્યતાઓ એ બધાંમાં બદલાવ શક્ય છે. આવી તૈયારીવાળા વીજેશભાઈ આ ગઝલ દ્વારા આપણને બહુ જ મોટો સંદેશ આપી જાય છે.
હવે આવતા, અને આવી સરસ રચનાઓ આપતા રહેશોને, વીજેશભાઈ?
Posted in ગઝલ, વીજેશ શુક્લ | 12 Comments »
Posted by સુરેશ on May 21, 2007
પ્રભુ એ ચીપ્યો ગંજીફો,
હાથમાં દીધાં પત્તાં.
કોઈને એક્કો,
કોઈને રાજા
તો
કોઇને અઠ્ઠા-સત્તા.
કોઇની હાર તો
કોઇની જીત
છે એની એ સત્તા!
- વીજેશ શુક્લ
આપણને ભલે ને દુરી કે તીરી જ મળી હોય, પણ આપણા પોતાના પ્રભુ સાથે પત્તાં રમવાની મઝા માણીએ તો?
અને એ રમતમાં આપણે હારીએ તો પ્રભુ ભલેને જીતે…… પણ તો ય આપણે જ જીત્યાને?
બહુ જ સરસ ભાવ અને લય લાવ્યા છો વીજેશભાઇ!
Posted in અછાંદસ, વીજેશ શુક્લ | 1 Comment »
Posted by સુરેશ on May 12, 2007
બ્રહ્માંડના ચોકમાં પ્રુથ્વી એક ટપકું.
ગગનના ગોખમાં સુરજ એક ટપકું.
ગોપીના ગાલમાં તલનું એક ટપકું.
કન્હાના પીચ્છમાં નીલું એક ટપકું.
દુલ્હનના ભાલમાં કંકુ એક ટપકું.
પ્રીયતમની આશમાં આંસું એક ટપકું.
અંધારી ઝુંપડીમાં દીપક એક ટપકું.
જીંદગીના રણમાં આશા એક ટપકું.
અજગરની ભીંસમાં ખરગોશ એક ટપકું
મ્રુત્યુના પાશમાં માનવ એક ટપકું.
- વીજેશ શુક્લ
વીજેશભાઇનું નવોદીતોના આ સમ્મેલનમાં સ્વાગત છે.
વીજેશભાઇ! તમે અહીંયાં ટપકું પણ નથી અને ટપક્યા પણ નથી !! આવી સરસ રચનાઓ આપતા રહેજો અને બીજા મીત્રોને પણ વાવડ આપજો કે, તેમની કોઇ પણ શીશ્ઠ રચના અહીં આવકાર્ય છે.
વળી આપણા વડીલ અને ગુજરાતી ભાશાના અઠંગ અભ્યાસી મીત્ર શ્રી. જુગલકીશોર વ્યાસે રચનાઓનો અભ્યાસ કરી માર્ગદર્શન આપવાનું પણ સ્વીકાર્યું છે. આપણે તેમની સેવાઓનો લાભ જરુર લઇશું.
Posted in વીજેશ શુક્લ | 3 Comments »