કાવ્ય સુર

મારી અને નવોદીતોની રચનાઓ અને વ્યક્તીવીશેશ

Archive for the 'સુનીલ શાહ' Category


એક તું મળી - સુનીલ શાહ

Posted by સુરેશ on November 26, 2007

ગાગાલગા
—————————
એક તું મળી,
નજરો ઢળી.

હર મોડ પર
ઈચ્છા ફળી.

દીલને ફરી
કળ તો વળી.

‘શુન્ય’ બની
‘એક’ પર ઢળી.

છેવટ સુધી
દઢ નીકળી!

- સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »

મુક્તક- સુનીલ શાહ

Posted by સુરેશ on November 15, 2007

(૧)

હોય શ્રધ્ધાની કહાણી, ત્યાં તમે પણ આવજો,
ડોક  માદળીયાં ટીંગાવી, ગાલ રાતો રાખજો.
રામને નામે તમાશો, ને તમાશે છે ખુદા,
છેતરાયા તો ખરા, પણ સ્મીત મોઢે લાવજો.

(૨)

પખાળી ચરણને, એ પીએ છે પાણી, 
ડબલ એકના આમ ક્યાં થાય છે!
ભણેલા અભણની કતારો થકી
પ્રદુષીત વીચારો જ ફેલાય છે.

સુનીલ શાહ

રેશનલ વીચારોને ઉજાગર કરતાં આ બે મુક્તકો ચંગળાવવાં ગમે તેવાં છે.

Posted in મુક્તક, સુનીલ શાહ | 2 Comments »

બની જાઉં છું હું - સુનીલ શાહ

Posted by સુરેશ on November 11, 2007

લગાગા લગાગા લગાગા લગાગા
———————————-

કદી આમ કાગળ બની જાઉં છું હું.
હવા જોઈ વાદળ બની જાઉં છું હું.

શ્વસી તો રહ્યો છું ફુલોના એ સ્પર્શે.
ને તક જોઈ ઝાકળ બની જાઉં છું હું.

અગર આંખને જો સજા’વી પડે તો.
ઘણીવાર કાજળ બની જાઉં છું હું.

સમજ છે, ને રસ્તો સરળ છે, છતાંયે
કદી કોઈ આગળ ‘બની’ જાઉં છું હું.

દીલો જોડવાની શરત મારીએ ત્યાં
ફરીવાર અટકળ બની જાઉં છું હું.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 7 Comments »

ફરી જાઉં છું - સુનીલ શાહ

Posted by સુરેશ on November 9, 2007

છંદ -  મુત્કારીબ ૧૮
છંદ વીધાન -  લગાગા લગાગા લગાગા લગા
રાગ -  સુહાના સફર ઔર યે મોસમ હસીં
————————————

ઉઠું છું, ને ત્યાં તો, ઢળી જાઉં છું,
જમાનો કહે છે, ખરી જાઉં છું.

નડે છે, તણખલું મને તો હવે,
ખરે પાન, ને હું મરી જાઉં છું.

ઝીલું છું, વરસતા એ બુંદો હજી,
છતાં, કોણ જાણે , બળી જાઉં છું.

અધુરપ સમયની નડી છે મને,
ગણું છું ક્ષણો, ને ડરી જાઉં છું.

ને પડકાર ઝીલી લઉં છું હવે,
ભલે કોઈ બોલે, ફરી જાઉં છું.

સુનીલ શાહ

     અહીં જીવનની ક્ષણભંગુરતાનું દર્શન અને સંવેદનશીલતાની વ્યથા સુનીલભાઈ અહીં બહુ કલાત્મક અને સચોટ રીતે કહી જાય છે. અને છતાં પણ, અંતીમ શેરમાં આ પડકારો ઝીલવાની અને ફરીથી એ સંગ્રામમાં ઝઝુમવાની ખુમારી સરસ રીતે અભીવ્યક્તી પામી છે.

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »

સદાયે - સુનીલ શાહ

Posted by સુરેશ on October 31, 2007

(દ્વિખંડી ષટ્કલ, છંદ વિધાનઃ ગા \ગાલગાલ\ગાગા\ ગા\ ગાલગાલ\ ગાગા)

રાગઃ ઓ રાત કે મુસાફીર…

આ આસમાનને તો અડવું હતું સદાયે,
ને વાદળો થકી તો ફરવું હતું સદાયે.

રંગો બધા ખવાઇ આ આશના ગયા છે,
આકાર આપવાને મથવું હતું સદાયે.

હોવાપણું કદીયે નો’તું સહજ સરળ તો,
તારા ગયા પછી તો ખરવું હતું સદાયે.

સાગર જરા સમાયો તારી જ આંખમાં જો,
મોજાં સમીપ જઇને તરવું હતું સદાયે.

જીવન સફળ થયું’તું જે વાતને સહારે,
તે મર્મ પામવાને મથવું હતું સદાયે.

માગું તમામ દુઃખને આ આંગણે હવે તો,
એક સૂર્યને અડીને બળવું હતું સદાયે.

પાણી ભલેને છલકે સુખના સરોવરેથી,
મારી તરસને આગળ વધવું હતું સદાયે.

-  સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 3 Comments »

આંખથી ખર્યું આંસુ - સુનીલ શાહ

Posted by સુરેશ on October 19, 2007

ગાલગાગા \ ગાગાલગા\ ગાલગાગા

આંખથી ખર્યું આંસુ સંગીન લાગે,
વાત આ આખી આમ ગમગીન લાગે

વાદ્ય કોઈ નમણું વગાડી ગયું છે,
સાંજ જાણે આખી જ રંગીન લાગે

ડાળ આખી તુટી પડી વૃક્ષ પરથી,
ચુમવા ધરતી કોઈ તલ્લીન લાગે

ગાલ પરથી જો કોણ સરકી રહ્યું છે,
ખંજને અટકી એ જ નમકીન લાગે

વારતા સાંભળ પ્રેમની ધ્યાનથી તું,
મજનુ–લૈલા આગોશમાં લીન લાગે

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 8 Comments »

મારો શ્વાસ છે - સુનીલ શાહ

Posted by સુરેશ on October 9, 2007

ગાલગાગા \ગાલગાગા\ ગાલગા

આખરે તો તું જ મારો શ્વાસ છે,
ગામ આખાને હવે વીશ્વાસ છે.

ચાલને ઉડી જવા તૈયાર થા,
પાંપણો પાછળ નીલું આકાશ છે.

અંધકારોથી હવે તો ડર નથી,
સાથ તારો, એ જ તો અજવાસ છે.

વાદળાં બંધાય છે જયાં પ્રેમના,
ત્યાં વરસવાની ઘણી હળવાશ છે.

પટકથા છે પ્રેમની તો કંટકીત,
સ્પર્શવાને ટાંકણે હળવાશ છે.

જોખમો સમજાય છે આ પ્રેમના,
શ્વાસ ખુટે ત્યાં સુધીની આશ છે.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 4 Comments »

પ્રેમને પામવા - સુનીલ શાહ.

Posted by સુરેશ on October 8, 2007

ગાલગાગા \ ગાલગાગા \ ગાલગાગા

પ્રેમને હું પામવા મથતો રહ્યો છું,
હાથ ખાલી આમ તો ઘસતો રહ્યો છું.

કોણ જાણે જીંદગીના ખેલ શા છે?
ખ્વાબ દેખી રાતભર ડરતો રહ્યો છું.

ક્યારેક પ્રગટે રાખમાંથી આગ પણ,
એ જ આશામાં રમત રમતો રહ્યો છું.

જીંદગીનો થાક લાગે છે હવે તો,
ભાર સૌનો ઉંચકી ફરતો રહ્યો છું .

લાગણીઓ સાવ કોરી છે છતાંયે,
ભીંજવાના ખ્વાબમાં ગળતો રહ્યો છું.

શ્વાસના સંબંધને ભુલી જવાશે,
એમ માની આમ તો મરતો રહ્યો છું.

સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 2 Comments »

ઘર બને - સુનીલ શાહ

Posted by સુરેશ on September 30, 2007

ગાલગાગા\ ગાલગાગા\ ગાલગા

ચાર દીવાલો મળે તો ઘર બને ? 
સ્પંદનો સઘળાં ટળે તો ઘર બને. 

રેત ને સીમેંટ એકલ શું કરે?
ઈંટ નીંભાડે બળે તો ઘર બને.

સૌ કરે ભેગા મળી મીજબાની, પણ
આશ જો સહુની ફળે તો ઘર બને.

લાગણીના માંડવે બંધાઈને
શ્વાસ જો સઘળા મળે તો ઘર બને.

બાળકો આંગણ ગજાવે રોજ, ને
સ્નેહ જો એમાં ભળે તો ઘર બને.

-   સુનીલ શાહ

Posted in ગઝલ, સુનીલ શાહ | 1 Comment »

સમયને ઓળખી ચાલો - સુનીલ શાહ

Posted by સુરેશ on September 27, 2007

લગાગાગા\ લગાગાગા\ લગાગાગા\ લગાગાગા

સમયને ઓળખી ચાલો, નહીં તો ઠોકરો વાગે.
દરદને ખોતરો આજે, ભલેને દીલમાં લાગે.

નકામા ખેલ આ આકાશના જોઈ લીધાં છે મેં,
ભટકતાં વાદળાં આલીંગનો દૈ વીજળી દાગે.

અરીસો જો કદી દઈ દે છબી સાચી તમારી તો,
કદીયે આફતાબી આગીયા ક્યારેય ના લાગે.

અવાજો સાંભળીને જાગીયે જો આમ સપનામાં,
તહેવારો થકી બસ આંગણે તો સ્પંદનો જાગે.

સહારાઓ જીવનમાં ઓળખીને ચાલશો આમ જ,
સુરજને પાદરે દેખી તમસ તો મન મુકી ભાગે.

-  સુનીલ શાહ

માશાલ્લાહ , સુનીલ ! તું તો હવે ખીલતો જાય છે. બહોત ખુબ …..

Posted in ગઝલ, સુનીલ શાહ | 4 Comments »