Posted by સુરેશ on November 10, 2007
કરમાઇ ગઇ એક કડી કાલ, ખીલી ઊઠી નવીન કડી આજ.
ફોરમ તેની ફેલાય ચારેપાસ, મનુષ્ય હ્રદય હરખાય આજ.
ઉગ્યો સુર્ય આજ ભારે, કરે છે ચારેપાસ ઝગમગાટ,
પ્રસરાવે છે નવીન ચેતન, આ વ્હાલી સકળ સૃશ્ટી સાટ.
શીતળ આ અનીલ ફુંકાય, કરતો જોરે આજ તો વાય.
ખીલેલી નવીન કડી પર, સ્પર્શ કરી આજ તે જાય.
વધાવવા આ નુતન સાલ, કરે માનવ ઊઘાડાં આત્માનાં દ્વાર.
સુખદ આશીશ દે તું, આજે ઓ સૃશ્ટીના સર્જનહાર.
પાણીનાં ઝરણ આજે તો, જાયે વધી આજે વ્હેણ,
કરે આજે બધાને અભીનંદન, એ જ તેનું એક કહેણ -
ગત વરસોનાં કડવાં દુઃખો, જાય ભુલી આ માનવ,
વધાવ આ નવીન વર્શ, પ્રેમ હ્રદયે, ઓ માનવ!
સર્જનહાર અમારા વ્હાલા, આધી વ્યાધી સર્વ નીવારી,
ગયું વરસ જુનું તો આજ, નવુ વરસ આજ સ્વીકારી.
- સૌપ્રિય સોલંકી - ‘શૈલ’
Posted in ગીત, સૌપ્રીય સોલંકી | 2 Comments »
Posted by સુરેશ on October 10, 2007
મજા લુંટતાં આવડે તો, જીંદગીની પળોમાં હળવાશ છે,
કોઈ બોલે છે મીઠા બોલ, કોઈની જીભ પર કડવાશ છે.
નાનપણ, જુવાની, બુઢાપો, આ જીંદગીના તાસ છે,
એ દરેક અવસ્થામાં આપણે, કરવાનું કંઈક ખાસ છે.
ઉચ્છવાસ જેને સમજીએ છીએ, એ અંતરનો નીશ્વાસ છે,
કે દોસ્તો કરતાં વધુ મને, દુશ્મનો પર વિશ્વાસ છે.
રણ જેવી “શૈલ”ની જીંદગી, હવે ખલાસ છે,
કબરમાં સુતા સુતા, કવીતા બનાવતી એક લાશ છે.
- સૌપ્રિય સોલંકી ‘શૈલ’
વાચક મીત્રોને લેખકનું માન ન ઘવાય તેવી, રચનાત્મક રીતે આ રચના પર ટીકા કરવા ઈજન છે.
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 7 Comments »
Posted by સુરેશ on October 7, 2007
એ ગરીબોની ઝુંપડીમાં તો, દર્દોનો ભંડાર છે.
આંસુઓ તો ખુટી ગયાં, પણ રડવાનું અપાર છે.
વેરણ- છેરણ જીવન જાણે, ધગધગતું રેગીસ્તાન છે.
બીજું તો કાંઈ નહીં, પણ એ અરમાનોનું કબ્રસ્તાન છે.
આ અમીરોના બંગલાઓમાં, સુખ તો અપરંપાર છે.
ગરીબોની લાગણીઓ છુંદી, પણ ચહેરા પર બહાર છે.
વગર મહેનતે મોજ કરતાં, મસ્તીમાં ગુલતાન છે.
લાચારોના લોહીથી સીંચાયેલું, આ તેમનું ગુલીસ્તાન છે.
હાથ જોડી પ્રભુ તમને પુછું છું, આ તે કેવો સંસાર છે?
બેઈમાનો મોજ કરે, ને પ્રમાણીકો બેકાર છે.
તારી બનાવેલી આ દુનીયા, દુનીયા નહીં સ્મશાન છે.
રડતું રડતું હ્રદય પોકારે, શું આ મારું હીંદુસ્તાન છે?
- સૌપ્રિય સોલંકી ‘શૈલ’
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 14 Comments »
Posted by સુરેશ on September 23, 2007
મંઝીલ રહી ન પાસ બધું મળેલું માની લઉં.
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં.
બધી માયા સંબંધોની, સમર્પી તમને આપી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
સ્વપ્નો અહીં મુકીને, ગગનને પ્રેમથી ભેટી દઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
કંઇ બાકી ને કંઇ પુરું, બધું અહીંથી સમેટી લઉં,
થયું, લાવ આજ જીવને એનું ઘર બતાવી દઉં,
- સૌપ્રિય સોલંકી ‘શૈલ’
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 2 Comments »
Posted by સુરેશ on June 17, 2007
તમે તો ચાલ્યા જશો, તમારા પડછાયા રહી જશે,
નીભાવવાના જે વા’દા, તે ફકત વા’દા જ રહી જશે.
વીતેલા દીવસો તમે તો, ભુલી જશો ઘડીકમાં,
પણ જીંદગીભર અમને, એ તડપાવતા રહી જશે.
અદાઓ બધી તમારી, કલામય લાગે છે,
નજર પડશે કોઈ કલાકારની, તો ચીત્રો બનાવતો રહી જશે.
સજીધજીને આમ, બહાર ન નીકળશો,
નહીં તો આ જોઈ કુદરત પણ, હેરાન થઈ જશે.
વારંવાર તમે આમ, શમણામાં ન આવો,
નહીં તો આ “શૈલ” તમારી, કવીતા બનાવી દેશે.
- સૌપ્રિય સોલંકી ‘શૈલ’
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 1 Comment »
Posted by સુરેશ on May 31, 2007
તારા ને મારા
સંબંધના આ તાણાવાણા
ક્યાં સુધી ટકી રહેશે?
ના તને, ના મને, એની કાંઇ ખબર છે.
શોધું છું અહીં તહીં,
ક્યાં મારી ડગર છે, મોત ક્યારે આવશે?
ના તને, ના મને, એની કાંઇ ખબર છે.
તારી, મારી, બધાની મંઝીલ ફક્ત કબર છે.
મને બસ એટલીજ ખબર છે.
- સૌપ્રીય સોલંકી
કેમ ભાઇ! આટલી બધી ગમગીની?
મને તો એટલી જ ખબર છે કે ,
‘ આ એક ક્ષણમાં જ તો જીવવાનું છે,
નહીં તો અત્યારે, અહીંયાં કબરમાં જ સુતા છીએ ! ‘
Posted in અછાંદસ, સૌપ્રીય સોલંકી | 10 Comments »
Posted by સુરેશ on May 29, 2007
ભર મધરાતે તમારું સ્મરણ કર્યાનું યાદ,
ચપટીભર કંકુ સેંથીએથી ખર્યાનું યાદ.
પ્રસંગો બધા નજર્યું સામે હાથતાળી રમે,
ને સામટા અરમાનોના જૌહરની યાદ.
મૌનની સજા ગુંગળાવે મુજ ચિત્તને,
ને સવારે ઝાકળ થઇ ઠરી ગયાનું યાદ.
ભીંત પરના થાપા ચીતર્યા ને વીસ્તર્યા,
તીમીરના નીરમાં હશે ડુબ્યાનું યાદ.
મીણની જેમ પીગળતું આ પ્રતીબીંબ,
કાળના કાળા ઓછાયાથી ડર્યાનું યાદ.
ઝંખનાના દરીયામાં નીતરતો ‘હું’ ને,
મ્રુગજળમાં મઝધારે નાવ તર્યાનું યાદ.
હસ્તરેખાઓની મર્યાદા પુરી થતાં જ,
અશ્રુઓ શબનમ બનીને ઠર્યાનું યાદ.
- સૌપ્રીય સોલંકી
ઓસ્ટ્રેલીયાના ક્વીન્સલેન્ડ રાજ્યના નોર્થ રોકહેમ્પ્ટન શહેરમાં રહેતા આ નવોદીત કવીની પહેલી રચના અહીં પ્રકાશીત કરતાં હું આનંદ અનુભવું છું.
ક્યાં એકમેકને સ્વપ્ને ય ન ઓળખતા અમે બન્ને ગુજરાતના વતની, ક્યાં અમેરીકાનું મારું ડલાસ અને ક્યાં ઓસ્ટ્રેલીયાનું નોર્થ રોકહેમ્પ્ટન .
અહોહો ….છ છ ખંડોમાં ફેલાયેલ વીશ્વ ગુર્જરીના ગૌરવની ગાથાનું ગાન ગાયાની યાદ….
Posted in ગઝલ, સૌપ્રીય સોલંકી | 16 Comments »