Posted by સુરેશ on July 19, 2007
છંદ - સ્રગ્ધરા
ગણ - મ ર ભ ન ય ય ય
માત્રા - ગાગાગાગા લગાગા, લલલલલગા, ગાલગા ગાલગા ગા
રાગ – જીવો ને જીવવા દો, મરણ લગણ આ, જીંદગી ચાર દી’ની
——————————–
જાણે ના કોઇ જેને, નયનસભર હા! ભીંજતી આંખ સૌની,
છેવાડે કો’ ઉભેલો, અણનમ ડગથી, ડારતો હાક પાડી.
શત્રુસેના ભગાવી, ચકમક ઝરતી, બંદુકોના ભડાકે,
છેલ્લા શ્વાસે લડેલા, નમન તુજને, હે! પ્રહરી દેશપ્રેમી!
____________________________________________________________
‘ સર્જન સહીયારું ‘ પર તા. 18 જુલાઇ - 2007 ના રોજ પહેલી વખત પ્રકાશીત
પ્રતીભાવ આપવા ઇમેલ કરો -
sbjani2006@gmail.com
Posted in સંસ્કૃત છંદ, સુરેશ | No Comments »
Posted by સુરેશ on June 11, 2007
છંદ - શાર્દુલ વીક્રીડીત
ગણ - મ સ જ સ ત ત ગા
રાગ - ઉગે છે સુરખી ભરી રવી મૃદુ, હેમંતનો પુર્વમાં.
————————————————————————-
ચોમાસે ઘનઘોર વાદળ થકી, છલકાવીયાં સૌ સરો.
જેમાંથી જળવીજળી નીપજતી, સસ્તી ઘણીયે વળી.
દ્રુમો આ પ્રગટ્યા મહાન વનમાં પાણી અને તેજથી.
યુગોના યુગ હા! ગયા સરકતા, તેના બન્યા કોલસા.
લીલુડી ધરતી રસાળ લણતી ધાન્યો તણા પાકને.
તૃણોના ઢગલા અગાધ બનતા, ઘી દુધના સર્જકો.
લાખો જાનવરો દબાઇ ખડકો વચ્ચે બન્યા ઇંધણો.
ચાલે ચક્ર બધાય વાહન અને ઉદ્યોગના તે થકી.
ઘુ ઘુ સાગર ઘુઘવે સતત ને ગર્જે ઘણા દર્પથી.
હોંકારા ભણતો સમીર ચલવે ચક્કી બધી તાનથી.
શક્તી સુરજની લઇ મલપતાં કેવાં ઘણાં સાધનો!
હીસાબો ચપટી મહીં કરી દીયે, બુધ્ધી ભર્યા યંત્ર સૌ.
ક્યાં સુધી ટકશે બધાં ય ઝરણાં શક્તી તણાં આ અરે!
સંસ્કૃતી અતીવેગમાં સરકતી, વીનાશના માર્ગમાં,
આશા એક જ એ રહી જગતને અસ્તીત્વની દોટમાં.
વ્હાલા સુરજદેવ! આજ જગવો વીસ્ફોટ નાના કણે.
- સુરેશ જાની
————————————————————-
સુર્યની સપાટી અને ગર્ભમાં, અબજો વર્ષોથી, સતત ચાલુ રહેતા પ્રચંડ વીસ્ફોટો જ પૃથ્વી પરની બધી જ શક્તીના, સજીવોના, જીવનના પાયામાં રહેલા છે.
આ કવીતાને ‘આદીત્ય ?’ એ નામ આપ્યું છે, કારણકે તે નામના ‘ટોકોમેક’ પર ભારતમાં સંશોધન ચાલી રહ્યું છે – વીશ્વના ઘણા દેશોમાં પણ. થર્મોન્યુક્લીયર શક્તીનો આ અખુટ સ્રોત જ માનવજાતના અસ્તીત્વ માટેનો છેવટનો વીકલ્પ છે. એ પ્રક્રીયા પૃથ્વી ઉપર અત્યંત નાના પાયા પર, પરમાણુની ય અંદર, નીયંત્રીત રીતે સર્જાવી શકાય તે માટેની આ આશાભરી પ્રાર્થના છે.
તા. 10, જુન - 2007 ના રોજ ‘ સર્જન સહીયારું ‘ પર પહેલી વાર પ્રકાશીત
Posted in સંસ્કૃત છંદ, સુરેશ | 12 Comments »